પશ્ચિમ ક્ચ્છની વિરાંગના સ્કવોડે ભુજમાંથી ઝડપ્યો ઇંગલિશ દારૂ

ભુજ ઃ પશ્ચિમ ક્ચ્છ પોલીસ વિભાગમાં વિરાંગના સ્કવોડમાં મહિલા પોલીસ દ્વારા ભુજના અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોના મહામારીને કારણે માસ્ક ન પહેરનાર તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે વિરાંગના સ્કવોડ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. જે અંતર્ગત લખુરાઈ ચાર રસ્તા નજીકથી વિરાંગના સ્કવોડે ટેમ્પોમાંથી દારૂ ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગતો મુજબ લખુરાઈ ચાર રસ્તા પાસે વિરાંગના સ્કવોડની ટીમ દ્વારા માસ્કનું ચેકીંગ કરવામાં આવતું હતું, તે દરમ્યાન અહીંથી એક ટેમ્પો પસાર થતા તેના ચાલકે માસ્ક ન પહેરતા વિરાંગના સ્કવોડે તેને અટકાવીને ચાલકને માસ્કનો નિયમ સમજાવીને દંડ ફટકારવા પ્રયાસ કર્યો હતો, તે દરમ્યાન ચાલક ભાગવાનો પ્રયાસ કરતા તેને પકડી પાડીને ટેમ્પોમાં ચેકીંગ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે સબબ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં વિરાંગના ટીમની શીતલબેન નાઈ, જશોદાબેન ધ્રાંગી, જયશ્રીબેન સાધુ, જાશ્મીનબેન કુંભાર, રમીલાબેન સાહુ, ગાયત્રીબેન બારોટ, ભાવનાબેન ભરાડીયા, સોનલબેન ચૌધરી સહિતનો સ્ટાફ જાેડાયો હતો.