પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસો.નો સંપુર્ણ ઓવરલોડ અટકાવવા દ્રઢ નિર્ણય

અબડાસાના ધારાસભ્ય પી.એમ. જાડેજા અને પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ જયસુખલાલ પટેલના હસ્તે નલિયા ખાતે ઓવરલોડ વિરોધી ઝુંબેશના કેમ્પનો આરંભ

 

નલિયા : પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસો. દ્વારા ઓવરલોડ અટકાવવા દ્રઢ નિર્ધાર સાથે નલીયા ખાતે ઓવરલોડ અટકાવ માટેના કેમ્પનો નલિયા ખાતે પ્રારંભ કરવામાં આવેલ હતો.
અબડાસાના ધારાસભ્ય પ્રઘ્યુમનસિંહ જાડેજા તથા પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ જયસુખલાલ પટેલના હસ્તે નલીયા ત્રિભેટે જુણસ કુંભારની હોટેલ પાસે એશો. દ્વારા ઓવરલોડ અટકાવવા માટેના કેમ્પનો તેમજ અકસ્માત નિવારણની ઝુંબેશ માટે વાહનો પર રેડીયમ પટ્ટી ચીંટકાવવાની ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.ધારાસભ્ય પી.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે એસો.ની ઓવરલોડ સામેની લડત કોઈ વ્યક્તિ કે કંપની વિરૂધ્ધ નહીં પણ માત્ર ઓવરલોડ વિરૂધ્ધ છે અને તે બંધ નહીં થાય તો નાના ટ્રક માલિકોને ભુખે મરવાનો વખત આવે તેમ છે.તેમણે કચ્છના આર.ટી.ઓ. અને અન્ય ખાતાઓની મીલીભગતથી ઓવરલોડ ચાલી રહ્યો છે તેવો આક્ષેપ કરી નિષ્ઠાથી તંત્રો સંગઠનની લડતમાં સહકાર આપે તેવી અપીલ કરી હતી.
પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ જયસુખલાલ પટેલે પશ્ચિમ કચ્છની આશરે ૧પ૦૦ જેટલી ટ્રકોના માલિકો અને તેને સંલગ્ન અન્ય ધંધાર્થીઓની રોજીરોટીનો પ્રશ્ન છે જેથી ઓવરલોડ અટકાવવાની તમામની ફરજ છે તેમ જણાવ્યું હતું.આ પ્રશ્ને કોઈ એક પક્ષ કે વ્યક્તિની નહીં સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉધોગની આ લડત છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ખેંગારભાઈ રબારી, ભાવેશભાઈ ગોસ્વામી, શંકરભાઈ ભીમાણી, હરીભાઈ લીંબાણી, ઈસ્માઈલ આમદ લાંઘાય, સત્તારભાઈ નોતીયાર (દયાપર), અબડાસાનાના હાજી તકીશા બાવા, જુણસ કુંભાર, મહેશોજી સોઢા, જયદિપસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, સોમચંદભાઈ કોલી સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પોલીસ અને અન્ય ખાતાના અધિકારીઓ ઝુંબેશમાં સહકાર આપી રહ્યા છે.ઓવરલોડ બંધ નહીં થાય ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે.