પશ્ચિમ કચ્છમાં મારામારી-ધાકધમકીના ૬ બનાવ પોલીસ ચોપડે ચડ્યા

100

જખૌમાં જુની અદાવતે બે જૂથ્થો વચ્ચે મારામારીમાં ૬ વિરૂદ્ધ સામ સામે ફરિયાદ

ભુજ : પશ્ચિમ કચ્છમાં મારામારી-ધાકધમકીના પાંચ બનાવોમાં વિવિધ પોલીસ મથકે છ ફરિયાદો નોંધાઈ હતી. સામાન્ય બાબતોમાં લોકો ઉશ્કેરાઈ જઈને હાથાપાઈ કે ધાકધમકી કરવા માટે પ્રેરીત બને છે. તેવામાં છેવાડાના જખૌ ગામે જુની અદાવતના મનદુઃખે બે જૂથ્થો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં જખૌ પોલીસ મથકે સાત શખ્સો વિરૂદ્ધ સામ સામે ફરિયાદ નોંધાઈ હતી. જખૌ પોલીસ દતફરેથી પ્રાપ્ત વિગતો મુજબ બુઢા જેસર કોલીએ આરોપી હીરજી વેલા કોલી, રમેશ વેલા કોલી, પ્રકાશ વેલજી કોલી અને ભરત કોલી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીના ઘેર ધસી આવી અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ભુંડી ગાળો આપી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો હીરજી વેલજી કોલીએ આરોપી બુઢા જેસર કોલી, સિદિક જેસર કોલી અને કમલેશ જેઠા કોલી વિરૂદ્ધ પ્રતિ ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે જખૌ પોલીસે સામ સામે ગુનો નોંધતા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ભટ્ટે આગળની તપાસ હાથ ધરી છે.

માંડવીના ગોધરામાં ફળીયામાં ચાલવા મુદ્દે મારામારી

માંડવી : તાલુકાના ગોધરા ગામે ફળીયામાં ચાલવા બાબતે માથાકૂટ થઈ હતી. બનાવ અંગે રામજીભાઈ કોલીએ મનોજ વેરશી મહેશ્વરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદીને અમારા ફળિયામાંથી ચાલવું નહીં તેમ કહી એકદમ ઉસ્કેરાઈ જઈ ધકબુશટનો મારી મારી બીજી વખત ફળિયામાં પગ મુક્યો છે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા માંડવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભુજોડી પુલનું કામ ચાલુ ન કરવાનું કહી ડ્રાઈવર પર હુમલો

ભુજ : તાલુકાના શેખપીર ત્રણ રસ્તા પાસે બે શખ્સોએ એક ટ્રક ચાલકને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે અખ્તરઅલી અલીજાન અંસારીએ આરોપી ઈબ્રાહીમ ઓસમાણ સમા અને અમ્રત નામના કુકમામાં રહેતા શખ્સો વિરૂદ્ધ પધ્ધર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી પોતાની વાડી પર ખાટલા ઉપર સૂતો હતો ત્યારે આરોપીઓ જીજે૧ર-ડીએસ-૧પ૪૭ નંબરની ફોરવ્હીલર ગાડીમાં આવીને ભુજોડી પુલનું કામ તું ચાલુ ન કરતો તેવું કહીને ભુંડી ગાળો આપી ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

લખપતના શેહમાં પાણીના અવાડા અંગે રજૂઆત કર્યાના મનદુઃખે મારામારી

દયાપર : લખપતના શેહ ગામે પાણીના અવાળા અંગે રજૂઆત કર્યાના મનદુઃખે મારામારીનો બનાવ બન્યો હતો. જે અંગે નારાયણ સરોવર પોલીસ મથકે ફરિયાદી ઉમર આમદ તુર્કે આરોપી ઓસમાણ ભસુ તુર્ક, મુસાભાઈ બરાયા, ઈબ્રાહીમ મામદ થુડિયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીએ આરોપીઓ વિરૂદ્ધ ગ્રામ પંચાયતમાં ગામના પાણીના અવાળા બાબતે રજૂઆત કરી હતી. જેનું મનદુઃખ રાખીને આરોપીઓએ ફરિયાદીને ધોકાવડે માથામાં અને હાથના ભાગે માર મારી મુઢ ઈજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા નારાયણ સરોવર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મુન્દ્રાની ક્રિષ્ના સોસાયટીમાં પાર્કિંગ બાબતે બબાલ

મુન્દ્રા : શહેરમાં આવેલ ક્રિષ્ના સોસાયટીમાં ગાડીના પાર્કિંગ બાબતે બબાલ સર્જાઈ હતી. આ અંગે રાજેશ નટવરલાલ ચૌહાણે આરોપી લગ્ધીરસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદીની પાર્કિંગ કરેલી ગાડીના મનદુઃખે ગાળાગાળી કરી ધમકી આપી હતી. પોતાની એક્ટિવા ફરિયાદીની ગાડી પાછળ ભટકાવી લાકડી વડે ગાડીનો આગળ-પાછળનો કાંચ તોડી પાડી નુકશાન પહોંચાડ્યું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા મુન્દ્રા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.