પશ્ચિમ કચ્છના મુસાફરોને એસટીની રાહત

 માંડવી-નખત્રાણા-નલિયા તરફ જનાર મીની બસો જ્યુબિલી થઈ દોડશે

 

આજથી ૧૯ મીની બસો આ નવા રૂટ મુજબ દોડશે : વિભાગીય નિયામક દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે કરાયા આદેશ

 

ભુજ : ભુજ મધ્યે આઈકોનિક બસ પોર્ટનું નિર્માણ થનારૂ હોઈ હંગામી બસ મથકેથી તમામ પરિવહનનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જોકે હંગામી બસ મથકના સ્થળને લઈને પ્રવાસીઓને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પશ્ચિમ કચ્છના પ્રવાસીઓની હાલાકીમાં ઘટાડો થાય તે માટે વિભાગીય નિયામક દ્વારા માંડવી-નખત્રાણા-નલિયા તરફ જતી મીની બસોને વાયા જ્યુબિલી ગ્રાઉન્ડથી દોડાવવાનો આદેશ કરાતા આજથી તેની અમલવારી શરૂ થઈ ગઈ છે.
આ અંગેની વિગતો મુજબ માંડવી-નખત્રાણા-નલિયા તરફ જતી બસો મંગલમ ચાર રસ્તા થઈ ડીડીઓના બંગલા પાસેથી સીધી નીકળી જતી હતી જેના લીધે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે પ્રવાસીઓની હાલાકીમાં ઘટાડો થાય તે હેતુથી આ રૂટ પર દોડતી મીની બસોને વાયા જ્યુબિલી ગ્રાફન્ડ થઈને દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
આ બાબતે એસટીના વિભાગીય નિયામક ભૂપેન્દ્ર ચારોલાએ જણાવ્યુ કે ભુજથી માંડવી-નખત્રાણા-નલિયા તરફ દરરોજની ૧૯ મીની બસો ચાલી છે. નવા રૂટ પ્રમાણે આ બસો અત્યાર સુધી મંગલમ ચાર રસ્તાથી ડીડીઓના બંગલા પાસેથી સીધી નીકળી જતી હતી. પરંતુ પ્રવાસીઓને રાહત મળે તે હેતુથી આજથી તમામ ૧૯ મીની બસોને વાયા જ્યુબિલી થઈ દોડાવવાનો નિર્ણય કરાયો છે. જેની અમલવારી પણ શરૂ કરી લેવામાં આવી છે.