પશ્ચિમ કચ્છના પોલીસ કર્મચારીઓને ટુંક સમયમાં જ અપાશે બઢતી

સીસીસી પરીક્ષા પાસ અને બઢતી ઈચ્છુક કર્મચારીઓની કમિટીમાં પોલીસ કોન્સટેબલને હેડ કોન્સટેબલ અને હેડ કોન્સટેબલને એએસઆઈ તરીકે અપાશે બઢતીનો લેવાયો નિર્ણય

ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેમણે સીસીસી પરીક્ષા પાસ કરેલ હોઈ તેમજ તેમના વિરૂદ્ધ કોઈ કેસ કે ખાતાકીય તપાસ ચાલતી ન હોઈ તેવા કર્મચારીઓને આગામી ટુંક સમયમાં જ બઢતી આપવા માટેની કાર્યવાહી આટોપી લેવાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા બિનહથિયારી તથા હથિયાર પોલીસ કોન્સટેબલ તથા હેડ કોન્સટેબલ કે જેમને નવ વર્ષની ફરજ થઈ ગયેલ હોઈ તેમજ સીસીસી પરીક્ષા પાસે કરેલ હોઈ તેવા પોલીસ કોન્સટેબલને હેડ કોન્સટેબલ તરીકે તથા હેડ કોન્સટેબલને એએસઆઈ તરીકે બઢતી આપવા માટે ઉચ્ચ અધિકારીઓની બેઠક (કમિટી) યોજાઈ હતી અને તેમાં બઢતી આપવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આગામી ટુંક સમયમાં જ પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ પોતાના કર્મચારીઓને બઢતી રૂપે ભેટ આપશે જેના કારણે બઢતી ઈચ્છુક કર્મચારીઓ તથા તેમના પરિવારજનોમાં ખુશી છવાઈ જવા પામી છે.