પર સ્ત્રી સાથે આડા સંબંધ રાખી પરિણીતાને ત્રાસ અપાતા ફરિયાદ

પતિ, સાસુ અને દિયર – દેરાણી વિરૂદ્ધ મહિલા પોલીસ મથકે નોંધાયો ગુનો : ગાંધીધામના કિડાણામાં પણ પરિણીતાને ત્રાસ અપાતા પાંચ વિરૂદ્ધ ફોજદારી

ભુજ : શહેરના આરટીઓ રિલોકેશન વિસ્તારમાં રહેતી ર૭ વર્ષિય પરણીત યુવતીએ તેના પતિ, સાસુ અને દિયર-દેરાણી વિરૂદ્ધ ભુજ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પરિણીતાના પતિએ લગ્ન જીવન દરમિયાન પરસ્ત્રી સાથે આડા સંબંધ રાખી ફરિયાદીને અવાર-નવાર મારકૂટ કરી ઘરમાંથી કાઢી મુકતા ગુનો નોંધાયો હતો. તો ગાંધીધામના કિડાણામાં રહેતી પરિણીતાને તેના પતિ, સસરા અને નણંદો દ્વારા ત્રાસ અપાતા આદિપુર મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પ્રિયંકાબેન મયૂરભાઈ ગોરે તેના પતિ મયૂર મહેશભાઈ ગોર, સાસુ પ્રીતિબેન ગોર, દિયર દીપભાઈ અને દેરાણી પ્રિયંકા દીપ ગોર (રહે. તમામ શ્રીજીનગર, ફોરેસ્ટ કોલોનીની બાજુમાં) વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પરિણીતાના પતિએ લગ્ન જીવન દરમિયાન અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખીને ફરિયાદીને અવાર-નવાર મારકૂટ કરતો હતો. તેમજ ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. અન્ય આરોપીઓએ ફરિયાદીના પતિની ચઢામણી કરી ફરિયાદીને મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. બનાવને પગલે ભુજ મહિલા પોલીસ મથકે વિધિવત ગુનો નોંધવા અરજી કરાઈ હતી. જેમાં ડીવાયએસપી કક્ષાએથી ગુનો નોંધવાની મંજૂરી મળ્યે વિધિવત ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ડી. રોહિતે આગળની તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ ગાંધીધામના કિડાણામાં આવેલ જગદંબા સોસાયટીમાં રહેતા પ્રેમીલાબેન મહેન્દ્રભાઈ વિગોરા (ઉ.વ. ર૪)એ તેના પતિ મહેન્દ્ર ગાંગજીભાઈ વિગોરા, સસરા ગાંગજીભાઈ સામજીભાઈ વિગોરા, નણંદો કમળાબેન વિજયભાઈ, પ્રેમાબેન કાંતિભાઈ કન્નર અને નિમુનાબેન રવિભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ દ્વારા ફરિયાદીને ઘરની નાની-નાની બાબતોમાં મેણાટોણા મારી ગાળાગાળી કરી મારકૂટ કરવામાં આવતી હતી. આરોપીઓએ ફરિયાદીને શારીરિક માનસિક ત્રાસ આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આદિપુર મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જેને પગલે પીઆઈ કે.પી.સાગઠીયા દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે