પર્યુષણ મહાપર્વે વર્ધમાનનગરે સ્તવન સ્પર્ધા તથા કળિયુગનો સામાયિક નાટિકા યોજાઇ

વર્ધમાનનગર : વર્ધમાનનગરે પરમ પૂજ્ય આચાર્ય ભગવંતકવીન્દ્રસાગર સૂરીશ્વરજી મારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ કલ્પતરૂસાગરજી મારાજ સાહેબની પાવનકારી નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ઉજવાઈ રહેલ છે.
સંપૂર્ણ સાધર્મિક ભક્તિ તથા ચાતુર્માસના મુખ્ય દાતાનો લાભ માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા હસ્તે ચિંતલભાઇ વોરાપરિવારે લીધો છે. વિમલનાથ પ્રભુજીની ફૂલની આંગીરચનાએ ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. દૂર-દૂરથી ભાવિકો પ્રભુજીનાં આંગી દર્શન માટે વર્ધમાનનગર પહોંચ્યા હતા. વર્ધમાનનગરે સ્તવન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ નંબરે ધર્માંગીબેન, બીજા નંબરે માલતીબેન ડાઘા તથા ત્રીજા નંબરે અમીતા જૈન વિજેતા બન્યા હતા. વર્ધમાનનગરની બાળાઓ પ્રાંજલિ અને મૈત્રીએ આવ્યા પર્યુષણ આવ્યા ડાન્સ રજુ કરેલ. વર્ધમાનનગરની મહિલાઓએ ‘કળિયુગનો સામાયિક’ નાટીકા રજુ કરી સૌને પ્રેરણારૂપ સંદેશો પૂરો પાડયો હતો. નાટીકામાં જયાબેન મુનવર, હેતલ મોમાયા, દક્ષા છેડા તથા અમીતા જેને ભાગ લીધો હતો.
વર્ધમાનનગરનાં બાળ કલાકારો પર્વ, ધૈર્ય, આયુષ, જય અને ધ્યાને ‘વેસ્ટ વેસ્ટ નહી પણ ધી બેસ્ટ’ નાટિકા રજુ કરી હતી. માતુશ્રી મંજુલાબેન હરીલાલ શાહ પરિવાર દ્વારા અષ્ટમંગલ વર્ધમાન જિનાલય ટ્રસ્ટને અર્પણ કરાતાં ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારનાં ચેતનભાઈ સંઘવીનું બહુમાન કરાયું હતું અને સત્કાર્યની અનુમોદના કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા ચાતુર્માસ કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.