પરિવાર અમદાવાદ ખબર કાઢવા ગયો ને તસ્કરો ૩.૯૭ લાખની ચોરી કરી ફરાર

(જી.એન.એસ.)વડોદરા,અમદાવાદ ખાતે હોસ્પિટલમાં દાખલ માતાની ખબર કાઢવા માટે ગયેલા પરિવારના ઘરને તસ્કરોએ નિશાન બનાવી ૨૦ તોલા સોનાના દાગીના તેમજ રોકડ ૯૦ હજાર રૂપિયા મળીને કુલ૩.૯૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ મામલે પરિવારે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ એ. ૪, પ્રાંગણ સોસાયટીમાં ઋષિકેશ પુનમભાઇ બારોટ પરિવાર સાથે રહે છે અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઋષિકેશ બારોટની માતા યામિનીબેન બારોટને ૨૦ જુલાઇના રોજ અમદાવાદ બોપલ ખાતે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી ઋષિકેશ બારોટ પત્ની, બાળકો તેમજ મુંબઈથી આવેલી બેનને લઇને ૨૪ જુલાઇના રોજ અમદાવાદ માતાની ખબર કાઢવા માટે ગયા હતા. માતાની ખબર જોઇને પરિવાર વિરમગામ પાસે આવેલા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા.દરમિયાન તેમની પડોશમાં રહેતા મામાની દીકરી ધરનીબેન રાવે ફોન કરીને જણાવ્યું હતું કે, મકાનના દરવાજાનું તાળુ નથી અને દરવાજો તૂટેલો છે. ચોરી થઇ હોવાનું જણાઈ આવે છે. ઋષિકેશ બારોટ તુરંત જ પરિવાર સાથે પરત વડોદરા આવી ગયા હતા. ઘરમાં જઇ તપાસ કરતા બેડરૂમ સ્થિત તિજોરીનો સામાન વેરવિખેર જોતા ચોંકી ઉઠ્યા હતા. વધુ તપાસ કરતા નાની બહેનના સોનાના દાગીના તેમજ રોકડ રકમ જણાઇ આવી ન હતી. આ અંગે તેઓએ સમા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.ઋષિકેશ બારોટે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તસ્કરો ઘરમાંથી સોનાનો સેટ, સોનાની ચેન, સોનાની બંગડી, સોનાની બુટ્ટી, રોકડ રકમ વિગેરે મળી રૂપિયા ૩,૯૭,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ ચોરી ગયા છે. સમા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સમા વિસ્તારમાં આવેલી પ્રાંગણ સોસાયટીમાં બનેલા ચોરીના બનાવે ભારે ચકચાર જગાવી મૂકી છે.