પધ્ધર પોલીસે ધાણેટી નજીકથી એક લાખનું બાયોડિઝલ ઝડપ્યું

ટ્રેકટર સાથે ટેન્કર જોડી ગેરકાયદેસર રીતે ૧૮૦૦ લીટર બાયોડિઝલનો જથ્થો કરાયો હતો સંગ્રહ : ત્રણ શખ્સો સામે પોલીસે વિધિવત ગુનો નોંધીને બે આરોપીઓની કરી અટકાયત

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : તાલુકાના નવી ધાણેટી ગામે કાચા રોડથી નદી પટ તરફ જતા માર્ગેથી પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો હતો. ટ્રેકટર સાથે ટેન્કર જોડીને ૧૮૦૦ લીટર જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો સંગ્રહ કરનાર બે શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. તેમજ અન્ય એક આરોપી હાથમાં ન આવતા પધ્ધર પોલીસ મથકે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ પધ્ધર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમી હકિકતને આધારે નવી ધાણેટીમાં કાચા રોડથી નદી પટ તરફના માર્ગ પરથી પોલીસે ટ્રેકટર સાથે જોડાયેલા ટેન્કરને ઝડપી પાડયું હતું. આ ટેન્કરમાંથી રૂા. ૯૯ હજારની કિંમતનો ૧૮૦૦ લીટર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો હતો. તેમજ ૩.પ૦ લાખનું ટ્રેકટર મળીને પોલીસે ૪,૪૯,૦૦૦/-નું મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં ગોપાલ જેઠા છાંગા અને પ્રકાશ જેસા કોઠીવારની અટકાયત કરવામાં આવી હતી. જયારે કાનાજી ઉર્ફે કાનો રણછોડ છાંગા પોલીસને હાથ આવ્યો ન હતો. આરોપી ગોપાલ અને પ્રકાશે કાનાજીના કહેવાથી ટેન્કરમાં બાયોડીઝલનો જથ્થો ભરી ટ્રેકટર સાથે જોડી ગેરકાયદેસર રીતે સંગ્રહ કર્યો હતો. પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભુજ બી ડિવિઝન પોલીસ મથકે અગાઉ ઝડપાયેલા બેઝઓઈલ અંગે પાંચ એફઆઈઆર નોંધાઈ

જે તે વખતે ઝડપાયેલા પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા વખતે જાણવાજોગ નોંધાયા બાદ હવે અપાયું કાયદાનું સ્વરૂપ : સાત આરોપીઓ વિરૂદ્ધ વિધિવત ગુના નોંધી પોલીસે આદરી તપાસ

ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી બેઝઓઈલ તેમજ બાયોડિઝલનું ગેરકાયદેસર વેંચાણ બેફામ બન્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહીના વેંચાણ પર કડક કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જેને પગલે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે બેઝઆોઈલ અને બાયોડિઝલના થતા વેપલા પર ધોંસ બોલાવાઈ રહી છે. તેવામાં અગાઉ ઝડપાયેલા ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહીમાં જે તે વખતે માત્ર જાણવા જોગ દાખલ કરાઈ હતી. તેમાં હવે વિધિવત રીતે એફઆઈઆર નોંધાઈ છે, જેમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે સાત શખ્સો સામે જુદી જુદી પાંચ એફઆઈઆર દર્જ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી પાંચ ફરિયાદો પૈકી ગત ૧૦મી સપ્ટેમ્બર ર૦ર૦માં માધાપર હાઈવે જલારામ બેટરી પાછળથી ઝડપાયેલા બેઝઓઈલ – બાયોડિઝલના કેસમાં પીએસઆઈ ટી.એચ. પટેલ દ્વારા બે જુદી જુદી ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં એકમાં આરોપી નથુલાલ માવજી પારગી અને બીજા ગુનામાં કાનજી રામજી ભાનુશાલી અને ઉમેશ જોશી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. તો ગત તા. ૧૭ જૂન ર૦ર૦ના માધાપરના નળવાળા સર્કલ નજીક મહિન્દ્રા શો રૂમ પાછળથી ઝડપાયેલા જથ્થા અંગે એએસઆઈ પંકજકુમાર કુશ્વાહાએ આરોપી જોગીન્દર મુલકરાજ અરોડા અને નરશીભાઈ અરજણભાઈ ગાગલ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. નળવાળા સર્કલ પાસે જ મહારાજા તાલપત્રીની સામેથી ગત ર૭ સપ્ટેમ્બર ર૦ર૦ ના જથ્થો ઝડપાયો હતો. જેમાં હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ જશાભાઈ ચાવડાએ હબાયના વિરમ ભીમજીભાઈ કેરાસીયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે.જયારે ર૧ મે ર૦ર૧ના ધ્રંગ ગામની બાજુમાં આવેલા મેકરણ ધામ નજીકથી બેઝઓઈલનો જથ્થો ઝડપાયો હતો. તેમાં એએસઆઈ પંકજકુમાર કુશ્વાહાએ સુમરાસર શેખના આરોપી સચિન શીવજીભાઈ ચાડ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ તમામ બનાવોમાં પોલીસ દ્વારા જે તે વખતે જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી અને ઝડપાયેલા મુદ્દામાલના સેમ્પલ મેળવીને એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ તમામ બનાવોમાં હવે વિધિવત એફઆઈઆર દર્જ કરીને પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે.