ન વેક્સિન, ન દવા, છતાં અમને મિટિંગોમાં બોલવા નથી દેવાતા

ન્યુ દિલ્હી,તા.૨૦ કોરોના વાયરસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠક બોલાવી હતી. જેમાં ૧૦ રાજ્યોના ૫૪ અધિકારીઓ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ હતા. આ બેઠક પૂરી થયા બાદ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યો છે. પીએમ મોદીની બેઠક પૂરી થયા બાદ મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બેઠકમાં બોલવા ન દીધા. બેઠક બાદ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે, બેઠકમાં તમામ મુખ્યમંત્રીઓને બોલાવવામાં આવ્યા, પરંતુ કોઇને પણ કંઇ બોલવાની તક આપવામાં આવી નહીં. કેટલાક ભાજપ શાસિત મુખ્યમંત્રીઓને બોલવા દેવામાં આવ્યા. અમને બોલવાની એક તક પણ આપવામાં આવી નથી. આથી ચર્ચા દરમિયાન અમે અપમાનિત ફીલ કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ ઓક્સિજન અથવા રેમડેસિવિરની મુશ્કેલી અંગે કંઇપણ પૂછ્યું નથી. બ્લેક ફંગસ અંગે પણ અમને કંઇ પૂછ્યું નથી. મમતાએ આગળ કહ્યું કે, અમે બેઠકમાં બંગાળમાં વેક્સિનની કમીનો ઉદ્દો ઉઠાવવા માંગતા હતા અને વધુ વેક્સિનની સપ્લાયની માંગ કરવા ઇચ્છતા હતા. પરંતુ અમને બોલવા દેવાયા નથી. મમતાએ કહ્યું કે, પીએમ મોદીએ પોતોના ભાષણમાં જણાવ્યું કે કોરોના ઓછો થયો છે. જાે ઓછો થયો છે તો પછી આટલા મૃત્યુ કેમ થઇ રહ્યાં છે? મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી બેદરકારી થઇ છે.