નોટબંધી બાદ ર૩ લાખ ખાતાઓ આઈટીના રડારમાં

નવી દિલ્હી ઃ નોટબંધીમાં પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જુની નોટ બેંકમાં જમા કરી કાળા નાણાને સફેદ બનાવવાની ખુશી મનાવતા લોકોની ઉંઘ ટુંક સમયમાં હરામ થઇ શકે છે. આયકર વિભાગે ર૩ લાખથી વધુ એવા બેંક ખાતાઓની ઓળખ કરી લીધી છે જેમાં નોટબંધી દરમિયાનભારેખમ રોકડ જમા કરવામાં આવી હતી. વિભાગ હવે એક-એક કરીને આવા બેંક ખાતાઓની તપાસ કરી રહ્યુ છે. વિભાગ એવા લોકો પાસે હિસાબ માંગી રહ્યુ છે જેમના ખાતામાં આ રકમ જમા થઇ છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે આયકર વિભાગે નોટબંધી બાદ શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ માટે ઓપરેશન કલીનમની શરૂ કર્યુ હતુ. જે હેઠળ બેંકો પાસેથી એવા ખાતાઓની માહિતી માંગવામાં આવી હતી જેમાં મોટી રકમ જમા થઇ હતી. આ અભિયાન હેઠળ પ્રથમ ચરણમાં એવા ૧૭.૯ર લાખ બેંક ખાતાઓની ઓળખ થઇ હતી. વિભાગની ખાસ ટીમો આ ખાતાઓનુ ઇ-વેરીફીકેશન કરી રહી છે. તે પછી મે મહિનામાં ઓપરેશન કલીન મનીનું બીજુ ચરણ શરૂ કર્યુ હતુ. જેમાં પ.૬૮ લાખ નવા ખાતાઓની ઓળખ થઇ હતી. આ રીતે ર૩ લાખથી વધુ બેંક ખતાઓ ઉપર આવકવેરા વિભાગની નજર છે.આયકર વિભાગે નોટબંધી બાદ સર્વે અને દરોડાની કાર્યવાહીમાં ર૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુની અઘોષિત આવક પણ પકડી છે. જે ડોકટરોથી લઇને જવેલર્સો અને રિયલ એસ્ટેટવાળા પાસેથી મળી છે. સુત્રો કહે છે કે પ્રથમ ચરણમાં ૯૦૦ સમૂહો ઉપર દરોડા પાડયા હતા. જેમાં ૧૬૩૯૮ કરોડ રૂપિયાની અઘોષિત આવક સ્વીકારવામાં આવી હતી. જેમાં વિભાગે ૬૩૬ કરોડની રોકડ સહિત ૯૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ૮ર૩૯ કેસમાં સર્વે કરાયો હતો. જેમાં ૬૭૪૬ કરોડની અઘોષિત આવક પકડી હતી. વિભાગે ૪૦૦થી વધુ કેસ સીબીઆઇને મોકલ્યા છે.આયકર વિભાગની તપાસમાં ખુલ્યુ છે કે, નોટબંધી દરમિયાન જવેલર્સ, પેટ્રોલ પંપો, વેપારીઓ, રિયલ એસ્ટેટ, ડોકટરો, સરકારી કર્મચારીઓ, શેલ કંપનીઓએ જુની નોટ બેંકોમાં જમા કરાવી હતી. નોટબંધી દરમિયાન જે રકમ બેંકમાં જમા થઇ તેના આંકડા આયકર વિભાગ પાસે આવી ગયા છે તેથી જે લોકો એવુ માને છે કે બેંકમાં રોકડ જમા કરાવવાથી નાણા સફેદ થઇ ગયા તો તે ખોટુ છે. નોટબંધી દરમિયાન બેંકોમાં જમા થયેલી રકમ આયકરના રડાર ઉપર છે.