નોટબંધી-જીએસટીએ દેશની ઘોર ખોદી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બર્કલેમાં યુનિ. ઓફ કેલીફોનીયામાં છાત્રાને કર્યુ સંબોધન : મોદી સરકાર પર કર્યા તીખા તમતમતા પ્રહારો : ર૦૧રમાં કોંગ્રેસ અહંકાર થકી હારીનો એકરાર

કેલીફોર્નીયા : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકાની બર્કલે યુનિવર્સિટીમાં પ્રવચન આપ્યુ છે. તેમણે પોતાના પ્રવચનમાં ભારતના ઇતિહાસ, વિવિધતા, ગરીબી, વૈશ્વિક હિંસા અને રાજનીતિ ઉપર વાત કરી હતી સાથોસાથ નરેન્દ્ર મોદી ઉપર તીખા તમતમતા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યુ હતુ કે દેશનો માહોલ ખરાબ છે. પત્રકારો ઉપર હિંસા થઇ રહી છે અને મુસ્લિમોને બીફ માટે સતાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, નોટબંધીના કારણે જીડીપીમાં ર ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં નવી નોકરી પેદા થતી જ નથી. તેમણે કહ્યુ હતુ કે, દેશમાં સાંપ્રદાયિક અને ધ્રુવીકરણ કરનારા પરીબળો માથુ ઉંચકી રહ્યા છે. નોટબંધી અને ઉતાવળે જીએસટી લાગુ થવાથી દેશની ર્થવ્યવસ્થા પાટા ઉપરથી ઉતરી જવાનો ખતરો ઉભો થયો છે. પક્ષોમાં વંશવાદ સાથે જોડાયેલા એક સવાલ પર રાહુલે કહ્યુ હતુ કે, સમગ્ર દેશ આવી જ રીતે ચાલી રહ્યો છે. આ માટે અખિલેશ યાદવ, સ્ટેનીલથી લઇને અભિષેક બચ્ચન સુધીના નામ ગણાવ્યા હતા.
રાહુલે કહ્યુ હતુ કે, ભારતે છેલ્લા ૭૦ વર્ષમાં વિકાસ મેળવ્યો છે તે વિકાસની રફતારને ભારતમાં માથુ ઉંચકી રહેલા ધ્રુવીકરણ, નફરતની રાજનીતિ ધીમો પાડી શકે છે. રાહુલે કહ્યુ હતુ કે, લીબરલ જર્નાલીસ્ટની હત્યા કરવામાં આવી રહી છે, દલિતોને પીટવામાં આવી રહ્યા છે. મુસ્લિમો અને લઘુમતીઓને નિશાના ઉપર લેવામાં આવી રહ્યા છે. રાહુલે કહ્યુ હતુ કે, અહિંસાનો આઇડિયા આજે ખતરામાં છે. આ એ જ વિચાર છે જે માનવતાને આગળ લઇ જઇ શકે છે. નફરત, ગુસ્સો અને હિંસા આપણને બરબાદ કરી શકે છે. ધ્રુવીકરણની રાજનીતિ અત્યંત ખતરનાક છે. રાહુલે નોટબંધીના ફેંસલાની જોરદાર ટીકા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, નોટબંધી લાગુ કરવા માટે ચીફ ઇકોનોમીક એડવાઇઝર કે સંસદના સુચનો ધ્યાને લેવામાં નથી આવ્યા અને તેને કારણે જીડીપીમાં ર ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં ન તો નવી નોકરી પેદા થઇ રહી છે કે ન તો આર્થિક વિકાસ વેગ પકડી રહ્યો છે. અર્થતંત્રને લઇને કેટલાક ખોટા નિર્ણયોને કારણે ખેડુતોની આત્મહત્યા કરવાની સંખ્યા વધી રહી છે. રાહુલે ચેતવણી આપી હતી કે, સરકાર તરફથી લેવામાં આવેલા આર્થિક ફેંસલાથી સમગ્ર અર્થવ્યવસ્થા પાટા ઉપરથી ઉતરી જવાનો ખતરો ઉભો થયો છે. ભારતમાં હિંસા પર તેમણે કહ્યુ હતુ કે આજે હિંસા અને નફરતની રાજનીતિ ચાલે છે. હિંસાનુ દર્દ હું સમજુ છું કારણ કે તેને કારણે મેં મારા પિતા અને દાદી ગુમાવ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, જો પક્ષ કહેશે તો હું વડાપ્રધાન પદનો ઉમેદવાર બનવા તૈયાર છું. તેમણે એવો સ્વીકાર પણ કર્યો હતો કે ૨૦૧૨માં કોંગ્રેસ પક્ષમાં ઘમંડ આવી ગયો હતો અને પક્ષે લોકો સાથે સંવાદ ઘટાડીયો હતો અને જેને કારણે સામાન્ય લોકોથી પક્ષ દુર ચાલ્યો ગયો. હવે પુનઃ નિર્માણની જરૂર છે. આતંકવાદ અંગે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસની સરકારમાં ત્રાસવાદીઓની કેડ ભાંગી ગઇ હતી. આતંકના ખાત્મા માટે અમે ઘણા પગલા લીધા હતા. ત્રાસવાદીઓ અનિયંત્રિત હતા ત્યારે અમે સાચી દિશામાં પગલા લીધા હતા પરંતુ ભાજપે પોતાના ફાયદા માટે કાશ્મીરને નુકસાન પહોંચાડયુ છે. ભાજપે રાજકીય ફાયદા માટે કાશ્મીરને હોડમાં મુકી દીધુ છે. મોદી સરકારે આરટીઆઇને પણ નુકસાન પહોંચાડયુ છે. રાહુલે કહ્યુ હતુ કે, ભાજપે હજારો લોકોને સોશ્યલ મીડીયા ઉપર દેખાડયા છે જેઓ દિવસભર મારી વિરૂધ્ધ એજન્ડા ચલાવે છે. મારા દરેક નિવેદન અને કામને ખોટી રીતે દર્શાવવામાં આવે છે પરંતુ વિશ્વ મને જોઇ રહ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં તમામ પાવર્સ સંસદની બહાર પીએમઓમાં છે.