નૉર્થ કોરિયાની ધમકીથી ટેન્શનમાં અમેરિકા

નવી દિલ્હી : ઉત્તર કોરિયાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર યુદ્ધની જાહેરાત કરવાનો આરોપ મૂકયા બાદ અમેરિકા અને દક્ષિણ કોરિયા ટેન્શનમાં આવી ગયું છે. એક બાજુ વ્હાઇટ હાઉસે ઉત્તર કોરિયાના આરોપોને નકારતા તેને વાહિયાત ગણાવ્યા છે, તો બીજીબાજુ દક્ષિણ કોરિયાએ અમેરિકાને અપીલ કરી છે કે તે ઉત્તર કોરિયાની સાથે તણાવ ઓછો કરવામાં મદદ કરે. વાત એમ છે કે સોમવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધની જાહેરાતનો દાવો કરતાં ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી રી યોંગ હો એ અમેરિકાને જડબાતોડ જવાબ આપવાની વાત કહી હતી.
ન્યૂયોર્કમાં રી યોંગ હો એ કહ્યું કે ઉત્તર કોરિયા અમેરિકન બોમ્બવર્ષક વિમાનોને તોડી પાડી પોતાની રક્ષા માટે તૈયાર છે. ઉત્તર કોરિયાનો અમેરિકાની સાથે કોઇ રાજદ્વારી સંબંધ નથી, પંરતુ રો યોંગ હો ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં સામેલ થવા આવ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સારા સેંડર્સે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે અમે ઉત્તર કોરિયાની વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી નથી અને તેનાથી સંબંધિત વાત વાહિયાત છે. અમેરિકન રાષ્ટ્રપતિના કાર્યાલયે તેના પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે અમે એવી કોઇ જાહેરાત નથી કરી અને અમેરિકા શાંતિની અંતિમ કોશિષ ચોક્કસ કરશે.
યુદ્ધનો ખતરો મંડરાઇ રહ્યો છે
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીના આ દાવા બાદ કોરિયન દ્વીપકલ્પમાં યુદ્ધ છેડાવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ઉત્તર કોરિયન વિદેશ મંત્રીએ ખુલ્લેઆમ કહ્યું હતું કે અમેરિકા જો ઉત્તર કોરિયા પર સૈન્ય કાર્યવાહી કરે છે તો તે જવાબી કાર્યવાહી માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે આખી દુનિયાએ એ યાદ રાખવું જોઇએ કે પહેલાં અમેરિકાએ અમારા દેશની સામે યુદ્ધની જાહેરાત કરી છે. એવામાં અમારી પાસે ચોક્કસ અધિકાર હશે કે અમે
અમેરિકન બોમ્બર વિમાનને તોડી પાડવા સહિતની દરેક પ્રતિરોધી પગલાં ઉઠાવીએ.
ત્યારે સારાએ કહ્યું કે કોઇપણ દેશની તરફથી કોઇ બીજા દેશના વિમાનોને તોડી પાડવા યોગ્ય નથી. જ્યારે તે આંતરરાષ્ટ્રીય જળ સ્તરની ઉપર હોય. આ બધાની વચ્ચે અમેરિકાની પ્રતિનિધિ સભાએ દ્વિપક્ષીય સમર્થન આપતા શૂન્યની સરખામણીમાં ૪૧૫ મતોથી નોર્થ કોરિયા હ્યુમન રાઇટસ રીઓથોરાઇઝેશન એક્ટ પારિત કર્યો. આ બિલ અમેરિકાના એ કાર્યક્રમોને ફરીથી અધિકાર આપે છે જે ઉત્તર કોરિયામાં માનવાધિકાર, લોકતંત્ર, અને માહિતીની સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરે છે.
દક્ષિણ કોરિયાએ અમેરિકાને અપીલ કરી છે કે તે ઉત્તર કોરિયાની સાથે તણાવ ઓછો કરવામાં મદદ કરે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઉત્તર કોરિયાએ યુદ્ધની જાહેરાત કર્યાનો આરોપ મૂકાયો છે. ત્યારબાદ દક્ષિણ કોરિયાએ વોશિંગ્ટનથી આ આગ્રહ કર્યો છે. સોમવારના રોજ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી કાંગ ક્યુંગ વા એ વોશિંગ્ટનમાં એક સંબોધનમાં કહ્યું કે ઉત્તર કોરિયા ફરીથી ઉશ્કેરણીજનક કાર્યવાહીને અંજામ આપી શકે છે. અમે અને અમેરિકા સ્થિતિને સંભાળીએ, જેથી કરીને તણવાને વધુ વધતો રોકી શકીએ અને કોઇ સૈન્ય અથડામણ ના થાય. નહીં તો સ્થિતિ નિયંત્રણની બહાર થઇ શકે છે.