…ને હવે નલિયા ગ્રામ પંચાયતમાં વાઉચર કૌભાંડ !

ર૦૦ જેટલા બોગસ વાઉચર લાખો રૂપિયા ઉસેડી લેવાયાનો આક્ષેપ : એક વાઉચરમાં તો નામ કે સહી ન હતી અને પંચાયતે તેનો ૮૧ હજારનો સેલ્ફનો ચેક બનાવી જાતે જ પૈસા ઉપાડી લીધા !

 

અડધો રોડ કાગળ પર બંધાયો ?
ગ્રામ પંચાયતનું બીજું એક પ્રકરણ ચર્ચાના ચગડોળે ચડયું છે. જાણકાર સુત્રોના જણાવ્યા પ્રમાણે એક સળંગ રોડનું કામ બે ટુકડે કરવાનું હતું. એમાં સંગ્રામસિંહના ઘરથી સિધ્ધેશ્વરનગરમાં દિપકસિંહના ઘર સુધીનો રસ્તો તો બન્યો પરંતુ આક્ષેપ અનુસાર દિપકસિંહના ઘરથી એકતાનગરમાં રમેશ દામાના ઘર સુધીનો માર્ગ માત્ર કાગળ પર બન્યો હતો, પરિણામે આજેય આ રસ્તો સાવ ખરાબ હાલતમાં છે. સુત્રોના કહેવા પ્રમાણે ગ્રામ પંચાયત એવો ખોટો અને લુલો બચાવ કરી રહી છે કે એ રસ્તો ખાનગી મીલકતમાં ભુલથી બની ગયો હોવાથી પંચાયતે જ તેને ઉખેડી નાખ્યા છે !
આક્ષેપ એવો પણ છે કે ન બનેલા રોડના રૂા. ૧.પ૦ લાખ ડમી પાર્ટીને ચુકવાઈ પણ ગયા છે. આ વિવાદીત રસ્તાનું માપ અબડાસા તાલુકા પંચાયત કચેરીના સુપરવાઈઝરે લીધું હતું અને મેજર ચીફ (એમ.બી.)માં સહી કરી છે પરંતુ બાદમાં તપાસ સમિતિએ કરેલા ઈન્વેસ્ટીગેશન દરમ્યાન સંબંધીત સુપરવાઈઝરે આ માપ ખરેખર પોતે લીધું પણ સરપંચ પતિના કહેવાથી એમ. બી. રેકર્ડ કર્યું છે તેવી કબુલાત કરી હોવાની વાત જાણવા મળી છે.

 

દસેક દિવસમાં તપાસ પૂર્ણ થઈ જશે : ડેપ્યુટી ડીડીઓ અશોક વાણીયા
વાઉચર કાંડ, રસ્તો અને પાણીની લાઈનની તપાસ માટે નીમાયેલી સમિતિનું વડપણ કરી રહેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અશોકભાઈ વાણીયાનો સંપર્ક કરતા તેમણે દસેક દિવસમાં ઈન્વાયરી પૂર્ણ થઈ જશે તેવું જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ સંપૂર્ણ નિષ્પક્ષ રીતે તપાસ ચાલી રહી છે. વાઉચરોમાં જેના નામ – અંગુઠા છે તેમની પુછતાછ થઈ રહી છે. અડધો રસ્તો ન બન્યો એ બાબતે પુછતા શ્રી વાણીયાએ કહ્યું હતું કે, ગ્રામ પંચાયતે એ માર્ગ ખાનગી પ્લોટ પર બનાવ્યો હતો અને તેની જાણ થતાં તેને તોડી પાડયો હતો તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે વીજ સબ સ્ટેશન સુધીની પાણીની પાઈપલાઈનની તપાસ સુપરવાઈઝર જેવી ટેકનીકલ વ્યક્તિ જ કરી શકે. અમારા જેવા વહીવટી માટે એ તપાસ શક્ય નથી. તપાસ સમિતિએ કેટલાક વિવાદવાળા કામોની તપાસનું વીડીયો રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું છે.

 

 

 

 

તપાસ સમિતિ નીમાઈ
જિલ્લા પંચાયતમાં આ બાબતે ફરિયાદ થતાં ડેપ્યુટી ડીડીઓ શ્રી વાણિયાની રાહબરી હેઠળ આઠ સભ્યોની તપાસ સમિતિ નીમવામાં આવી છે અને ટીમે બોગસ મનાતા વાઉચરો કબજે લીધા છે.

 

પા.પુ.ની લાઈનની ભૌતિક તપાસની પણ ઉઠી માગણી
તાજેતરમાં જેનો જબરો વિવાદ ઉઠયો હતો તે નલિયા ગામથી ગેટકોના ૬૬ કે.વી. સબ સ્ટેશન સુધી પાણીની પાઈપલાઈનમાં કથિત ભ્રષ્ટાચાર થયાના મામલામાં પૂર્વ ઉપસરપંચ દિલીપસિંહ કેશરીસિંહ જાડેજાએ અરજી કરીને લાઈનની ભૌતિક તપાસણી માગણી ઉઠાવી છે.

 

ભુજ : ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો સાથે અવારનવાર વિવાદમાં આવતી નલિયા ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચરો દ્વારા નાણાં ઓળવી જવાનું નવું કૌભાંડ પ્રકાશમાં આવતા જિલ્લા પંચાયતની ટીમ દ્વારા તેની છાનબીન આદરવામાં આવી છે.
ગ્રામ પંચાયતના એક સદસ્ય મનજી વીરજી મહેશ્વરીએ તા. ૧૪-ર-૧૮ના આધારો સાથે કરેલી ફરિયાદ અનુસાર ગ્રામ પંચાયતે તા. ર૭-૬-ર૦૧૭ના રોજ કેડીસીસી બેંકનો રૂા. ૮૧૩૩૦ની રકમનો સેલ્ફનો ચેક ઈશ્યુ કરીને જાતે જ વટાવી લીધો હતો. તેના વાઉચરમાં પણ પૈસા લેનારનું નામ અને સહી નથી. આમ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-મંત્રીએ તલા તરવાડીના ‘રીંગણા લઉં બે ચાર…’ની જેમ જાતે જ એક ઈશ્યુ કરી, જાતે જ નાણા ઉસેડી લીધા હોવાનું આક્ષેપ ઉઠ્યો છે.
આ સૌથી મોટો અને ખુલ્લો ભ્રષ્ટાચાર હતો તેવું જણાવતા માહિતગાર સુત્રોએ કહ્યું હતું કે, ગ્રા.પં. સદસ્યની ફરિયાદ અરજી સાથે આવા નાની-મોટી રકમના ર૦૦ શંકાસ્પદ વાઉચરો બીડાયા છે, જેમાં અંગુઠાના નિશાન ખોટા વ્યક્તિના હોવાનો તેમનો આક્ષેપ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જો આ અંગુઠાની એફ.એસ.એલ.માં તપાસ થાય અને જે નામની વ્યક્તિના અંગુઠા વાઉચરમાં છે તે જ વ્યક્તિના અંગુઠા લઈને સામ સામે મેચ કરાવાય તો પણ ખોટા નામે છુટા છવાયા દોઢેક લાખ રૂપિયાના વાઉચરો બનાવી ખવાઈ ગયા હોવાનો પર્દાફાશ થાય.