નેત્રામાં બાવળની ઝાડીના કાંટા વચ્ચે ત્યજાયેલા માસૂમ ફૂલને જી.કે. જનરલ હોસ્પિટલમાં સ્વસ્થ કરાયું

હોસ્પિટલના બાળરોગ વિભાગે મહિલા કલ્યાણ કેન્દ્રને અજાણ્યું ‘ધુલ કા ફૂલ’ ઉછેર માટે અર્પણ કર્યું

ભુજ : નખત્રાણા તાલુકાનાં નેત્રા ગામમાં બાવળની ઝાડીમાથી નોંધારી હાલતમાં કણસતું માસૂમ ફૂલ મળી આવતા અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગે તેને સ્વસ્થ કરી મહિલા કલ્યાણ કેન્દ્રને અર્પણ કર્યું હતું.

હોસ્પિટલના બાળરોગ વિભાગના ડો. ગાર્ગી નાયકે જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે નેત્રા ગામની બાવળની ઝાડીમાથી મળી આવેલું ‘ધુલ કા ફૂલ’ પ્રથમ તો નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યું હતું. ત્યાંથી પ્રા. સારવાર આપ્યા પછી જી.કે.માં રિફર થયું. કાંટા, કાંકરા અને રેતી વચ્ચે નિઃસહાય હાલતમાં મળ્યું હોવાથી શરીરમાં ઉઝરડા સાથે લોહી નીકળતા ચેપ લાગ્યો હતો. તેની સારવાર કરી હતી.

તેમના જણાવ્યા અનુસાર બાળરોગ વિભાગના વડા અને એસો. પ્રો .ડો. રેખા થડાનીના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલના સર્જરી, આંખ તથા કાન,નાક અને ગળાના તબીબોનો અભિપ્રાય મેળવી બાળકની આંતરિક શરીર રચનાની સોનોગ્રાફી કરી હતી. જેમાં તમામ સિસ્ટમ સ્વસ્થ જણાતા બાળકને પ્રારંભમાં નળી વાટે દૂધ આપ્યું પછી તે મોઢાથી દૂધ લેતું થતાં સ્વસ્થ થવાથી મહિલા કલ્યાણ કેન્દ્રને અર્પણ કરવાનો ર્નિણય કરાયો હતો. મહિલા કલ્યાણ કેન્દ્રના અવનિબેન જેઠીએ આ બાળક જી.કે.ના બાળરોગ વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફ પાસેથી સ્વીકાર્યું હતું. પ્રેમિલાબેન સહિતની પરિચારિકાઓ બાળકની સારવારમાં સહાયરૂપ થયા હતા.