નેત્રામાં પવનચક્કીના પોલમાં વીજ શોક લાગતા માલધારી યુવક ઘવાયો

વન્ય જીવો બાદ હવે વીજ થાંભલાઓ માનવીઓ માટે પણ ખતરારૂપ

નખત્રાણા : તાલુકાના નેત્રા ગામે સીમાડામાં ગાયો ચરાવતા માલધારી યુવકને પવનચક્કીના વીજપોલથી કરંટ લાગતા સારવાર તળે ખસેડાયો હતો. મળતી વિગતો મુજબ નેત્રા ગામમાં ઉત્તર દિશાએ આવેલ બાંડિયારા રોડની બાજુમાં પવનચક્કીની વીજલાઈન પાસે બનાવ બન્યો હતો. ભોગબનનાર શિવજી ભીમા રબારી ગાયો ચરાવતો હતો, ત્યારે વીજ શોક લાગતા હાથના ભાગે દાઝી ગયો હતો. જેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગાયોને વીજ શોક લાગે તેવી સ્થિતિ સર્જાતા તેને બચાવવા ગયેલા યુવાનને કરંટ લાગ્યો હતો. આ પંથકમાં અગાઉ પણ પશુ- પક્ષીઓના વીજલાઈનોએ ભોગ લીધા છે. આ બનાવથી પવનચક્કીની સેફટીનો મુદ્દો પુનઃ ઉચકાયો છે. વગડામાં માલ ચરાવતા માલધારી અને પશુધન માટે પવનચક્કી ઘાતક બની રહી છે, ત્યારે ખુલ્લા વાયર અને વીજપોલ રાખનાર વીન્ડ મિલના એકમો સામે પગલાં લેવાની પણ માંગણી ઉઠવા પામી છે.