નેતા નહીં નીતિ બદલે ભાજપ : અમીત ચાવડા

ન્યાયયાત્રા અંતર્ગત કોરોનામાં મૃત્યુ પામનારાના પરિવારજનોને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે પાઠવી સાંત્વના : ભાજપ સરકારના કારણે મોંઘવારીના મારથી ઘર ચલાવવું પણ બન્યું મુશ્કેલ

ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા બે દિવસીય કચ્છની મુલાકાતે આવ્યા છે. ત્યારે ગઈકાલે માધાપર અને ભુજ કોરોનામાં સ્વજન ગુમાવનારના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ આજે સવારે ભુજના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પત્રકાર પરિષદ બાદ ટાઉનહોલ ખાતે તાલુકા – જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કપરા સમયમાં ગુજરાત સરકારની બેદરકારીના લીધે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા લોકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત ગુજરાતમાં અનેક જિલ્લાઓના પ્રવાસ કર્યા બાદ આજે કચ્છ જિલ્લામાં જે પરિવારે કોરોના મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા કાર્યો કરવામાં આવશે. દરેક પરિવારની આપવીતી જાણીને દુઃખ થાય છે કે, આવા સંજોગોમાં પરિવારના સદસ્યની અણધારી વિદાય થઈ છે. કોરોનાની બીજી લહેરમાં ભાજપ સરકારના કારણે કયાંક વેન્ટિલેટર, ઓક્સિજન, ઈન્જેકશન, બેડ માટે લોકોને દરદર ભટકવું પડ્યું હતું. લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ લોકો પોતાના પરિવારના સદ્દસ્યને બચાવી શકયા નથી.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર વખતે લોકોને ઈન્જેકશન માટે ભટકવું પડતું હતું, એક હજાર રૂપિયાનું ઈન્જેકશન રૂપિયા પ હજારથી લઈને પ૦ હજાર સુધીમાં ઈન્જેકશનોની કાળા બજારી કરવામાં આવી છે. દર્દીઓના સબંધીઓ પાસે એક ઈન્જેકશન પણ ન હતું અને તેવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાસે પાંચ હજાર ઈન્જેકશનો આવી ગયા. જે લોકો આ મહામારીમાં જવાબદાર છે તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જ્યુશિયલ બેસાડવામાં આવે અને પીડીત પરિવારોને ન્યાય આપવામાં આવે. કોંગ્રેસ દ્વારા ગામડે ગામડે જઈને જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેમની વિગતવાર માહિતી લઈ અને તેમના પરિવાર પાસે ફોટા લઈ અને વિ-વિલ ઓલવેજ રિ-મેમ્બર નામની વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં કોરોનામાં મૃત્યુ પામનાર તમામ લોકોની માહિતી અપલોડ કરવામાં આવી છે, જેથી હંમેશા તેની યાદગીરી બની રહેશે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસને અત્યાર સુધી રાજ્યમાંથી રર હજાર પરિવારોએ સહાય મેળવવા માટે અરજીઓ કરી છે તો કચ્છમાં સરકાર દ્વારા ર૦૦ જેટલા લોકો કોરોનાથી મોત થયા છે તેવું કહે છે પરંતુ પ હજારથી વધુ લોકોના કોરોનાથી મોત થાય છે. અને આ તમામ અરજીઓ સ્થાનિકે કલેકટર તેમજ સરકારને આપવામાં આવશે. આ ન્યાયયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ચાર માંગણીઓ છે, જેમાં પ્રથમ કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારની ૪ લાખની સહાય, પ્રાઈવેટ હોસ્પિટલમાં પ હજારથી માંડીને પ૦ લાખ સુધીના જે લોકોએ બિલો ચુકવ્યા છે તે બિલોની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે, મોટા પાયે સરકાર દ્વારા કોરોના વોરીયર્સના નામે જે જાહેરાતો કરાઈ અને જે પણ કોરોના વોરીયર્સ મૃત્યુ પામ્યો છે તેમના પરિવારને હજુ સુધી પણ સહાય પહોંચી નથી તે તાત્કાલિક ધોરણે સહાય આપવા, કોરોનામાં મૃત્યુ પામેલ કોરોના વોરીયર્સના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ છે.અમીત ચાવડાએ ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપની નિષ્ફળતાનું પ્રમાણ અને પરિણામ એટલે વિજયભાઈ રૂપાણીનું રાજીનામું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે શપથ લીધા છે. ત્યારે તેઓ લોકોની સુખાકારી માટે કામ કરે તેવી અપેક્ષા ગુજરાતની જનતા રાખી રહી છે. હાલ મોંઘવારીના લીધે ખેડૂત પાયમલ બન્યો છે. મોંઘુ શિક્ષણ લીધા બાદ પણ યુવા વર્ગ આજે બેરોજગાર બેઠો છે. નેતા બદલવાથી નહીં ચાલે, ભાજપે પોતાની નિયતી બદલવી પડશે. ગુજરાતની જનતાને ભાજપ સરકારે ભગવાન ભરોશે છોડી મુકી છે. ભાજપના રપ વર્ષના શાસન દરમિયાન જે વિકાસના કામો થયા હતા. તે કોરોના કાળમાંં લોકોની સામે ઉજાગર થઈ ચુકયા છે. આજે દરેક વર્ગ વિચારી રહ્યો છે કે, આવી મોંઘવારીના જમનામાં ઘર કઈ રીતે ચલાવવું. દિવસને દિવસે મોંઘવારી વધી રહી છે. ર૦રરમાં પ્રજાના હિતો માટે કોંગ્રેસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે તેવું તેમણે ઉમેેર્યું હતું.પ્રેસ કોન્ફરન્સમાં કચ્છ જિલ્લા પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ભાટી, કોંગ્રેસ પ્રવકતા દિપક ડાંંગર, ગની કુંભાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારની મુલાકાત લીધી તે વેળાએ માધાપર નવાવાસ ઉપસરપંંચ અરજણભાઈ ભુડિયા, પૂર્વ વિપક્ષીનેતા વી.કે. હુંબલ સહિતના સાથે રહ્યા હતા.

આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવા હાકલ

ભુજ ટાઉનહોલ ખાતે તાલુકા- જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમમાં યોજાયો

ભુજ : સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના કાર્યકરો સાથે સંવાદ કરવા માટે ટાઉનહોલ ખાતે તાલુકા જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમ અમીતભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં મહેમાનનું સન્માન કર્યા બાદ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.અમીત ચાવડાએ જણાવ્યું કે, ર૦૧૭મા રર સીટો પર કોંગ્રેસની હાર થઈ હતી તે પરાજય પરથી શીખ લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા અને તાલુકાઓના કાર્યકરો સાથે સંવાદ કરી આવનારી ર૦રરની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને અને સરકાર બનાવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. બુથ પ્રમુખને જનમિત્ર તરીકે ઓળખમાં આવશે જેની પ્રક્રિયા હાલ ચાલુમાં છે.કોરોનાના કારણે આ પ્રક્રિયા થોડી મંદ પડી હતી પરંતુ હવે તે પ્રક્રિયા વેગવાન બનાવવામાં આવશે. મિશન ર૦રર અંતર્ગત રણનીતિઓ ઘડવા જનમિત્રો દ્વારા તાલુકા અને જિલ્લા વાઈઝ તબક્કાવાર બેઠકો યોજવામાં આવશે તે માટે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા, રફીકભાઈ મારા, અરજણભાઈ ભુડિયા, પૂર્વ વિપક્ષીનેતા વી.કે. હુલબ, આદમભાઈ ચાકી, રવિન્દ્રભાઈ ત્રવાડી, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણીના બ્યુગલ વાગી ગયા હોય તેમ ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આપ દરેક જિલ્લામાં જઈ પ્રજા સાથે સંવાદ આરંભાઈ ગયો છે. ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીના દોઢ વર્ષ પહેલાથી રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યો છે.