નીલપર નજીક એસટી-બોલેરો વચ્ચે ગોઝારા અકસ્માતમાં એકનું મોત

ભુજ – રાપર રૂટની એસટી બસ બોલેરો સાથે ભટકાતા બોલેરોના ચાલકે તોડયો દમ : અન્ય પાંચથી છ જણને ઈજાઓ પહોંચતા ખસેડાયા સારવાર તળે

રાપર : તાલુકાના નીલપર પાટીયાથી બાદરગઢ વચ્ચેના માર્ગ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એસટી બસે બોલેરો જીપને હડફેટમાં લેતા જીપ ચાલકનું કરૂણ મોત નિપજયું હતું. તો અકસ્માતમાં અન્ય પાંચ થી છ લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. બનાવને પગલે રાપર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલમાં ધસી ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ રાપરના નીલપર પાટિયાથી બાદરગઢ વચ્ચેના માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભુજથી રાપર તરફ જઈ રહેલી એસટી બસ રાપરથી મોરબી જતી બોલેરો જીપ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં રાપરના ગોવિંદપરમાં રહેતા બોલેરો જીપના ચાલક બાબુભાઈ બાવલાભાઈ વાઘેલાનું કરૂણ મોત નિપજયું હતું. હતભાગીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા તાબડતોબ રાપર સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ તેમણે દમ તોડયો હતો. બનાવમાં પાંચથી છ જણને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. નીલપર પાટિયાથી બાદરગઢ વચ્ચે સર્જાયેલા અકસ્માતને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. જેને પગલે કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે રાપર પીએસઆઈ ગીરીરાજસિંહ જાડેજા બનાવ સ્થળે દોડી ગયા હતા. બીજીતરફ હોસ્પિટલમાં પણ પાંચથી છ લોકોને સારવાર માટે ખસેડાતા ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. હોસ્પિટલ ખાતે પીઆઈ એમ. એમ. જાડેજા સહિતની ટીમ દોડી ગઈ હતી. ગોઝારા અકસ્માત બાદ રાપર પોલીસે પંચનામુ કરવા સહિત વિધિવત ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.