નિષ્ઠાથી કામ કરશો તો સફળતા તમારા કદમ ચુમશે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય

0
21

સરકાર સ્કીલ ડેવલોપમેન્ટ પર ધ્યાન આપીને યુવાનોને નોકરી માટે તૈયાર કરી રહી છે – અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર

ભુજમાં ૭૨૦ યુવાનોને રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોનું વિતરણ કરવામાં આવ્યું

જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૫ વર્ષમાં સવા લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી

નિષ્ઠાથી કામ કરશો તો સફળતા તમારા કદમ ચુમશે. સંઘર્ષ એ જીવનનો ભાગ છે તેની સામે હારી જવાના બદલે હિંમત તથા મહેનતથી કામ કરવાથી અચુક મીઠા ફળ પ્રાપ્ત થાય છે તેવું આજરોજ ભુજ ખાતે ૭૨૦ યુવાનોને રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોનું વિતરણ કરતા વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.

રાજયભરમાં એકસાથે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા દરેક જિલ્લામાં યોજાયેલા આ કાર્યક્રમમાં એક સાથે દોઢ લાખ યુવાનોને નિમણૂક પત્રો અને એપ્રિન્ટિસશિપ કરારપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજયકક્ષાના કાર્યક્રમ તથા મુખ્યમંત્રીના ઉદ્બોધનનું લાઇવ નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું. જેને ભુજ ટાઉનહોલ ખાતે આયોજિત જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં કચ્છના ૭૨૦ યુવાનોને હાજર આગેવાનોના હસ્તે રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રીએ યુવાનોને પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ભુકંપ બાદ વડાપ્રધાનશ્રી તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને બેઠું કરીને અહીં ઉદ્યોગોને આમંત્રણ આપીને કચ્છની કાયાપલટ કરી નાખી છે. હાલે સ્થાનિકોને ઘરઆંગણે જ રોજગારી મળી રહી છે. યુવાનો પગભર થાય તે માટે બેંકમાં સેલ્ફ ડેકલેરેશનથી માંડીને સરળતાથી લોન મળી રહી તેવી યોજનાઓ અમલી કરી છે. રોજગારી કચેરીમાં સરળતાથી રજિસ્ટ્રેશનથી લઇને અન્ય યુવાનોલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં રોજગાર કચેરીના માધ્યમથી છેલ્લા ૫ વર્ષમાં સવા લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. ભારત દેશ સૌથી વધુ યુવામુડી ધરાવતો દેશ છે ત્યારે આ મુડીને સાચવવી સરકારની ફરજ છે. આ માટે અનુબંધન પોર્ટલ તથા રોજગાર સેતુ કાર્યરત કરાયા છે. જયાં રોજગારથી લઇને અન્ય માર્ગદર્શન યુવાનોને મળી રહે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં ૩ પોર્ટ આવેલા છે , ઉપરાંત હજારો ઉદ્યોગો છે ત્યારે અહીં રોજગારીની વિપૂલ તકો છે. આ તકો ઝડપવા માટે યુવાનો સ્કિલ ડેવલપ કરવા તરફ ધ્યાન આપે તે જરૂરી છે. તેઓએ યુવાનોને સંકલ્પબધ્ધ બનીને ઇમાનદારીથી કામ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રીશ્રી તથા અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઇ આહીરે યુવાનોને જણાવ્યું હતું કે, કચ્છના લોકો પહેલા રોજગારી મેળવવા બહાર જતાં હતા પરંતુ હવે અહીં જ વિવિધ તકો ઉપલબ્ધ છે. વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગોને કચ્છમાં લાવીને યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલી દીધા છે. ઉપરાંત સરકાર સ્કીલ ડેવલોપમેન્ટ પર ધ્યાન આપીને યુવાનોને તૈયાર પણ કરી રહી છે. હાલ કચ્છના તમામ તાલુકામાં આઇટીઆઈ છે, એક વર્ષમાં ૩૪ ભરતીમેળા કરવામાં આવ્યા છે. આમ, સરકાર યુવાનોને રોજગારી અપાવવા તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. તેમણે યુવાનોને પણ ધગશથી નોકરી કરવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા, જિલ્લા રોજગાર અધિકારીશ્રી એન.કે. પાલા, અન્ય અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહયા હતા.