નિરોણા પોલીસ મથકેથી ૩૦ ગામોમાં જળવાશે કાયદો વ્યવસ્થા

આઈ.જી.પી. પીયુષ પટેલ પોલીસ મથકનું ઉદ્દઘાટન કરીને મુકયું ખુલ્લું

ભુજ : પાવરપટ્ટીનાં નિરોણા ગામે પોલીસ સ્ટેશનનું કચ્છ બોર્ડર રેન્જનાં આઈ.જી.પી પિયુષ પટેલ દ્વારા ઉદ્ધઘાટન કરવામાં આવ્યુ હતુ. નિરોણાનાં સીએચેસીના મકાનમાં હંગામી ધોરણે પોલીસ મથક ખુલ્લુ મુકાયુ હતુ.
નખત્રાણા તાલુકાના નિરોણા ગામે નવા પોલીસ મથકનું કામ ચાલુમાં છે પરંતુ પોલીસ મથકને કાર્યરત કરવા આઈ.જી.પી. પિયુષ પટેલ અને પશ્ચિમ કચ્છ એસ.પી.ને પહેલ કરી છે. હાલ નિરોણા સીએચસીના મકાનભમાં પોલીસ સ્ટેશનને ખુલ્લુ મુકાયું છે. નિરોણા પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી મંજૂર થયેલ મહેકમ ૬૬ ફાળવાયું છે. જેમાં ૧ પીએસઆઈ એચ.એસ. તીવારી સહિત હાલ ૧૧નો સ્ટાફ ફાળવાયો છે. વધુ સ્ટાફ આગામી દિવસોમાં ફાળવવામાં આવશે. નિરોણા પોલીસ મથકમાં ૩૦ ગામડાઓનો સમાવેશ કરાયો છે. આ માટે હાલ એક સરકારી જીપ, ૪ બાઈક, વાયરલેશ સેટ, ટેકનિકલ સુવિધા આપવામાં આવી છે. આ પોલીસ મથકનું રિબિન કાપીને આઈ.જી.પી. પિયુષ પટેલે ઉદ્દઘાટન કર્યું હતું. તે વેળાએ પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ડીડીઓ સી.જે. પટેલ, ડીવાયએસપી જે.કે. જયશ્વાલ, તાલુકા પંચાયત પ્રમુખ, નિરોણાના સરપંચ લક્ષ્મીબેન ભાનુશાલી, મદદનીશ પોલીસ અધિક્ષક રવિ તેજા શેટ્ટી, નખત્રાણા પીએસઆઈ એલ.પી. બોડાણા, નિરોણાના પીએસઆઈ એચ.એસ. તીવારી સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.