નિખિલ દોંગા કેસ : જી.કે. ના તબીબી સ્ટાફ તરફ તપાસ તેજ

ભુજ : અહીંની જી.કે. હોસ્પિટલમાંથી નાસી ગયેલા ગુજસીટોકટના કૂખ્યાત ગેંગસ્ટર નિખિલ દોંગાના કેસમાં એક પછી એક શંકમંદોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આરોપીઓ સાથેના સંપર્ક ખૂલ્યા બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં જી.કે. હોસ્પિટલના તબીબી સ્ટાફની પુછતાછ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકનો કુખ્યાત ગેંગસ્ટર નિખિલ દોંગા પોલીસ ઝાપટામાંથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસ તપાસનો પગેરૂ દબાવીને આરોપીને તેના સાગરીતો સાથે નૈનિતાલથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને ભગાડવામાં મદદગારી કરનાર તેમજ સમગ્ર કેસમાં સંડોવાયેલા પોલીસ સહિત તબીબી અધિકારી અને સ્ટાફની તપાસ ચલાવાઈ રહી છે. જેમાં જી.કે. જનરલ હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીની પોલીસ દ્વારા પુછતાછ કરવામાં આવી હતી. આ અંગે પોલીસ સૂત્રોએ પણ આ કેસ સંદર્ભે તબીબના નિવેદનો લેવાયા હોવાનું સમર્થન કર્યું હતું. જોકે બીજી તરફ આ બાબતે ભુજ જી.કે. જનરલ હોસ્પીટલના સિવિલ સર્જન ડોકટર કશ્યપ બુચને પુછતા તેવોએ જણાવ્યું હતું કે પોલસે રૂટીન તપાસના ભાગરૂપે બોલાવ્યા હતા અને નીખીલ ડોંગાના હોસ્પીટલ એડમીટ કાળ દરમ્યાન આનુસંગિક માહિતીયો સિવીલ સર્જન હોવાના નાતે અમારી પાસેથી પુછપરછ દરમ્યાન માંગી હતી. જે અમારા તબક્કેથી અપાયેલ છે તેવું શ્રી બુચે જણાવ્યું હતું.