નિખિલ દોંગા કેસ : જી.કે. જનરલ હોસ્પિટલનો ડ્યુટી મેનેજર પોલીસના સાણસામાં

જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડીકલ રેકોર્ડ ડેટામાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સની કરાઈ ધરપકડ : આરોપીએ નિખિલને હોસ્પિટલમા દાખલ કરાવવા કરી હતી મદદગારી

ભુજ : ગોડલના ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી હાજર પોલીસ સ્ટાફને ચકમો આપી નાસી ગયો હતો. જે ચકચારી કેસમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડીકલ રેકોર્ડ ડેટામાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સની સંડોવણી સામે આવતા ધરપકડ કરવામાં આવી છે. કેસના તપાસનીશ ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું કે, આ કેસમાં રિમાન્ડ પર રહેલા આરોપીઓની પુછપરછ દરમિયાન જી.કે. જનરલ હોસ્પિટલના મેડીકલ રેકોર્ડ ડેટામાં મેનેજર તરીકે ઓનડ્યુટી ફરજ બજાવતા શખ્સની સંડોવણી સામે આવી હતી. આરોપી વિજયભાઈ વિઠ્ઠલભાઈ સાંઘાણી (ઉ.વ. ૩૩) રહે. માધાપરની પુછપરછ દરમિયાન આરોપીએ નિખિલને જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવવા મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું. તેમજ આરોપીએ પોતાનો ગુનો કબુલ કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. જયારે આજે તેને ભુજ કોર્ટમાં રિમાન્ડ માંગ સાથે રજુ કરવામાં આવ્યો છે. નોધનીય છે કે આ કેસમાં બે પીએસઆઈ, બે પોલીસ કર્મચારી સહિત કુલ ૧ર શખ્સોની ધરપકડ થઈ છે જેમાં ૯ આરોપી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર છે. ડીવાયએસપી પંચાલે વધુમાં કહ્યું કે, આરોપી વિજય અને આ કેસમાં અગાઉ પકડાયેલા આકાશ વચ્ચે ગાઢ મિત્રતા હતી. નિખિલને ભગાવવા માટે આકાશે વિજયને મદદગારી કરવા જણાવ્યું હતું, જેથી વિજયે નિખિલને હોસ્પિટલમાં દાખલ કરવા ભાગ ભજવ્યો હતો. આ કેસમાં જી.કે. જનરલ હોસ્પિટલના તબીબો કે સ્ટાફની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે.આ કેસમાં શરૂઆતથી તબીબની સંડોવણી સામે આવી રહી છે ત્યારે જી.કે. જનરલના મેનેજર સામે પગલા લેવાયા બાદ અન્ય મોટા માથાઓ સામે પણ પગલા લેવાય તેની ઘડીઓ શરૂ થઈ ગઈ છે.

  • માંદગીનું સર્ટીફીકેટ આપનાર ડોકટર સામે કાર્યવાહી કરવા પોલીસે રાજ્યના ગૃહમંત્રાલય પાસે માંગી મંજુરી

દારૂ પરમીટમાં રોકડી કરનારનું જ નામ ખુલે તો નવી નવાઈ નહીં

ગાંધીધામ : ગુજસીટોક સહિત અનેક ગુનાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તા વચ્ચે ભાગી છુટયા બાદ નૈનિતાલથી ઝડપાયો હતો તેને ભગાડવામાં અનેક લોકોએ મદદ કરી હતી. પોલીસે તેના સાગરીતોને દબોચી રહી છે ત્યારે નિખીલ માટે જેલથી હોસ્પિટલ સુધીની સફરને આસાન બનાવનાર અને કથિત રીતે બોગસ માંદગીનું અભિપ્રાય આપનાર તબીબ સામે કાર્યવાહી કરવા પોલીસે રાજયના ગૃહમંત્રાલયની મંજુરી માંગી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.આ પ્રકરણમાં દસેક લાખ રૂપિયાનું ફંડ એકઠુ કરી અધિકારી-કર્મચારીને ફોડવામાં આવ્યાનું ખુલ્યુ હતું જેમાંથી માંદગી અભિપ્રાય બનાવનાર ડોકટરને પણ ૫૦ હજારથી ૧ લાખ રૂપિયા અપાયા હોવાની શંકા પોલીસને છે જેથી ડોકટર સામે કાર્યવાહી કરવા પોલીસ તૈયાર છે પરંતુ નિયમ મુજબ તે માટે ગૃહમંત્રાલયની મંજુરીની જરૂર હોવાથી પોલીસે ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પાસે મંજુરી માંગી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પોલીસ આગળની કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રાલયની મંજુરીની રાહ જોઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. જો કે તે વચ્ચે આજે જી.કે. જનરલ હોસ્પિટલના મેનેજરની ધરપકડ સુચક માનવામાં આવે છે.