નિખિલ દોંગાએ ભુતકાળમાં જેલમાં રહીને પણ આચર્યા છે ગુના : રાજકોટ રેન્જ આઈજી

કચ્છ બોર્ડર રેન્જ આઈજીપી અને રાજકોટ આઈજીપીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગુજસીટોકના કુખ્યાત આરોપી અંગે અપાઈ માહિતી : કઈ રીતે પોલીસે કામગીરી કરી અને આરોપીના ગુનાહિત ઈતિહાસની ખોલાઈ ચીઠ્ઠી : નિખિલ દોંગા સહિત ઝડપાયેલા આરોપીઓ પોલીસે કર્યા જાહેર

ભુજ : અહીંની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ફરાર થયેલા ગુજસીટોકના કુખ્યાત ગુંડા એવા નિખિલ દોંગા અને તેના સાગરીતોને પોલીસે ઉત્તરાખંડના નૈનિતાલમાંથી ઝડપી પાડ્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસની જુદી જુદી ટીમોએ સરાહનીય કામગીરી કુખ્યાત ગુંડાને ઝડપી પાડ્યા બાદ આજે કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જે.આર.મોથલિયા તેમજ રાજકોટ રેન્જના આઈજીપી સંદિપસિંઘે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી.
નિખિલ દોંગા સહિતના આરોપીઓ ઝડપાયા બાદ પ્રેસ સાથે રૂબરૂ થયેલા રાજકોટ રેન્જ અને કચ્છ બોર્ડર રેન્જના આઈજીપીએ આપેલી માહિતીમાં પોલીસે આરોપીઓને ઝડપવા કઈ રીતે કામગીરી કરી અને કુખ્યાત શખ્સ નિખિલ દોંગાનો ગુનાહિત ઈતિહાસ શું છે તેની માહિતી રજૂ કરી હતી. જેમાં કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જે.આર.મોથલિયાએ જણાવ્યું હતું કે, ગત ર૯મીએ ધુળેટીના દિવસે રાત્રે સવાએક વાગ્યાના અરસામાં આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી ગયા બાદ સમગ્ર રાજ્યમાં નાકાબંધી કરાઈ હતી. આરોપી મુળ રાજકોટ ગ્રામ્ય પોલીસનો હોવાથી રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ એલર્ટ કરી દેવાઈ હતી. પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સૂચનાથી એલસીબી, એસઓજીની જુદી જુદી ટીમો બનાવાઈ હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબી સહિતની પણ ટીમો બનાવીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી નિખિલ દોંગા જે-જે સ્થળે જઈ શકે તે તમામ સ્થળોએ પોલીસે તપાસ કરી હતી. અંતે આરોપી ઉત્તરાખંડના નૈનિતાલમાં હોવાનું જણાઈ આવતા પોલીસે તાત્કાલિક નૈનિતાલ ધસી જઈને આરોપીઓને દબોચી લીધા હોવાનું શ્રી મોથલિયાએ ઉમેર્યું હતું. તો રાજકોટ રેન્જના આઈજીપી સંદીપસિંઘે કહ્યું હતું કે, નિખિલ દોંગા અને તેમની ગેંગના શખ્સો ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરવામાં માહેર છે. દોંગાના ગુનાહિત ઈતિહાસ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ર૦૧૩થી હત્યાના ગુનામાં ધકેલાયો હતો. જેલમાંથી ૧૯ વખત આરોપી નિખિલ પેરોલ પર છૂટ્યો હતો. જેમાંથી ૧ર વખત પેરોલ જમ્પ કરીને અન્ય ગુનાહિત કૃત્યો તેણે આચર્યા હોવાનું કહ્યું હતું. છેલ્લે તે અમદાવાદની સાબરમતી જેલમાં હતો અને ત્યાંથી તેની વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુના કામે તેને ભુજની પાલારા જેલમાં ખસેડાયો હતો. ડિસેમ્બર-ર૦ર૦થી તે પાલારા જેલમાં હતો અને મોઢામાં કેન્સર થયું હોવાનું જણાવી તે જેલમાંથી સારવાર માટે જી.કે.માં ખસેડાયો હતો અને ત્યાંથી તેના સાગરીતો દ્વારા ઘડાયેલા પ્લાન મુજબ નિખિલને ભગાડવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સંડોવાયેલા ચાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત નિખિલ અને તેના ત્રણ સાગરીતો નૈનિતાલથી ઝડપાયા અને તે દરમિયાન નિખિલના અન્ય બે સાગરીતોને દબોચીને અત્યાર સુધીમાં કુલ ૧૦ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી નકલી આધારકાર્ડ મળી આવ્યા છે તેની પણ તપાસ કરાશે. આરોપીઓને અહીંથી ભગાડવામાં અન્ય જે કોઈએ પણ મદદગારી કરી હશે તે તમામની ઉંડાણપૂર્વકની તપાસ કરાશે. આરોપીને મદદગારી કરવામાં આર્થિક વ્યવહારો કરાયા હોવાની ચર્ચાઓ છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. હાલ આરોપીઓની ધરપકડ દર્શાવી તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને ડીવાયએસપી કક્ષાના અધિકારી પાસેથી આ સમગ્ર મામલે તપાસ કરાશે.

  • બન્ને આઈજીએ પોલીસની કામગીરી વખાણી

પશ્ચિમ કચ્છ અને રાજકોટ પોલીસને પુરસ્કૃત કરાશે

ભુજ : પાલારા જેલમાં સજા કાપી રહેલો ગુજસીટોકનો આરોપી જી.કે. જનરલમાંથી નાસી છૂટ્યો હતો, જેને પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજકોટ પોલીસે સંયુક્ત રીતે ઉત્તરખંડના નૈનિતાલમાંથી ઝડપી પાડ્યો હતો. કુખ્યાત આરોપી અને તેના સાગરિતોને પકડવા સાથે પોલીસ કર્મચારીઓની સંડોવણીઓનો પણ પર્દાફાશ કરાયો છે, જેથી કચ્છ બોર્ડર રેન્જના આઈજી જે.આર. મોથલિયા અને રાજકોટના રેન્જ આઈજી સંદીપ સિંઘે પોલીસની કામગીરીને વખાણી છે. ઝડપી કામગીરી બદલ પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજકોટ પોલીસને પુરસ્કૃત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. પોલીસની પીઠ થાબડતા મોરલ ઉંચકાયું છે.

નિખિલ સામે ૧૪ ગંભીર ગુનાઓ નોંધાયેલા

નૈનિતાલના રિસોર્ટમાં બોગસ આઈડીથી રોકાયો : પોલીસે બે કાર કરી છે કબજે

ભુજ : રાજકોટ રેન્જ આઈજીપી સંદીપસિંઘે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નિખિલ દોંગા અને તેના ૧ર જેટલા સાગરીતો સામે ૧૧૭થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી નિખિલ સામે ૧૪ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેલમાં પણ ગુનાહિત કૃત્ય આચરવામાં આરોપીઓ પંકાયેલા છે. કચ્છમાં નૈનિતાલ ભાગી છૂટેલો નિખિલ દોંગા અને તેના સાગરિતો નૈનિતાલના એક રિસોર્ટમાં બોગસ આધારકાર્ડ અને આઈડીનો ઉપયોગ કરીને રોકાણ કર્યું હતું. પોલીસે આ બોગસ આઈડીકાર્ડ પણ આધાર-પુરાવા તરીકે કબજે કર્યા છે. જી.કે. હોસ્પિટલમાંથી નાસેલા આરોપીના કબજાની એક આઈ-ર૦ કાર ગુજરાતમાંથી જ કબજે કરાઈ છે અને અન્ય એક કાર નૈનિતાલમાંથી પોલીસે કબજે કરી છે.