નિકાહ કરવા ટગાથી ભાગેલા પ્રેમી પંખીડા રાપરમાં ઝડપાયા

પ્રેમીના ભાઈઓને પસંદ ન હોઈ બન્નેને ઢોર માર મારતા પ્રેમીના ચાર ભાઈઓ સામે પ્રેમીકાએ નોંધાવી ફોજદારી : પોલીસે આદરી તપાસ

 

ગાંધીધામ : રાપર તાલુકાના ટગા ગામે રહેતા અને એક મેકને પ્રેમ કરતા પ્રેમી પંખીડા નિકાહ કરવા માટે ટગાથી રાપર ભાગી છૂટ્યા હતા પરંતુ પ્રેમીના ભાઈઓએ પીછો કરી બન્નેને ઢોર માર મારતા પ્રેમીકાએ ચાર શખ્સો સામે ફોજદારી નોંધાવી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાપર તાલુકાના ટગા ગામે રહેતા રફીક સીદીક હિંગોરજાને ગામમાં રહેતી ૧૮ વર્ષિય યુવતી સાથે પ્રેમ સંબંધ હોઈ અને બન્ને એક બીજા અતુટ પ્રેમ કરતા હોઈ બન્નેએ સાથે જિંદગી જીવવાનું મન બનાવી લઈ રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં રફીક પોતાની પ્રેમીકાને મોટર સાયકલ ઉપર બેસાડી રાપરમાં રહેતી માસીના ઘરે પહોંચી આવ્યો હતો. યુવતી સાથે નિકાહ કરવા તે રફીકના ભાઈઓને પસંદ ન હોવાથી રમઝાન સીદીક હિંગોરજા, રસુલ સીદીક હિંગોરજા, જહાંગીર સીદીક હિંગોરજા, મુબારક હાસમ હિંગોરજા રાપર ધસી ગયા હતા અને રફીક નિકાહ કરે તે પહેલા રફીક તથા તેની પ્રેમીકાને ચારેય શખ્સો ઢોર માર મારતા હોઈ તેને બચાવવા તેની પ્રેમીકા વચ્ચે પડતા તેને પણ કુહાડી તથા હાથો, લાતો વડે માર મારી લોહી લુહાણ કરી નાખી હતી. બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાતા રાપર પોલીસે રફીકની પ્રેમીકાની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધી સહાયક ફોજદાર દિનેશભાઈ ગોહિલે તપાસ હાથ ધરી હતી. આ બાબતે તપાસનીશનું સંપર્ક સાધતા આરોપીઓ તથા છોકરી પક્ષના પરિવારો વચ્ચે બોલાચાલી – ઝઘડો થતા એક વ્યક્તિનું ખુન થયું હતું અને જે વ્યક્તિની હત્યા થયેલ તે પરિવારની છોકરી સાથે રફીક લગ્ન કરવા માગતો હોઈ તે આરોપીઓને પસંદ ન હોતા રફીક તથા તેની પ્રેમીકાને માર મારેલ હોવાનું જણાવ્યું હતું.