ના.સરોવરમાં ભાઈશ્રી રમેશ ઓઝાના વ્યાસાસને ભાગવત કથાનો પ્રારંભ

ના.સરોવર : ભોગાયતા પરિવાર દ્વારા ના.સરોવરના વાલરામ આશ્રમ ખાતે ભગવાન ત્રિવિક્રમરાયજી મંદિરેથી વાજતે-ગાજતે પોથીયાત્રા સાથે ના.સરોવરના જાગીરાધ્યક્ષ સોનલ લાલજી મહારાજ તથા યજમાન પરિવાર દ્વારા દિપપ્રાગટ્ય સાથે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો આરંભ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પ.પૂ. રમેશભાઈ ઓઝા દ્વારા કરાયો હતો. આ પ્રસંગે કોટેશ્વર જાગીરના મહંત દિનેશગિરિ બાપુ સાથે રહ્યા હતા.જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈએ પૌરાણિક તીર્થધામ ના.સરોવરનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું. તેમણે કથા પૂર્વે પવિત્ર સરોવરની મુલાકાત લઈ પૂજન – અર્ચન કર્યું હતું. અને ભાગવતાચાર્ય પૂ.બ્ર. ડોંગરેજી મહારાજ, બ્રહ્મલીન જાગીર અધ્યક્ષ મધુસુદન લાલજી, સંતો બ્ર. ઓધવરામજી મહારાજ, બ્ર. વાલદાસજી મહારાજ સાથેના સંસ્મરણોને યાદ કર્યા હતા. તા.૧૯/૯ સુધી ચાલનારી આ ભાગવત સપ્તાહનો સમય સવારે ૯ઃ૩૦થી ૧ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કથામાં તા.૧૬ના શ્રીકૃષ્ણ જન્મ, તા.૧૭ના ગોવર્ધન પુની, તા.૧૮ના રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવાશે. ઉપરાંત કથામાં રાત્રે કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્રના વિવિધ કલાકારો સંતવાણી પીરસશે. જ્ઞાનયજ્ઞનું આયોજન મનોરથી રંજનબેન, અવિનાશભાઈ ભોગાયતા, બીનાબેન તેમજ દિપકભાઈ ભોગાયતા પરિવાર દ્વારા કરાયું છે. કથા વ્યવસ્થા-આયોજન સમિતિના અરજણભાઈ કાનગડ, નારાણભાઈ બકુત્રા, ભચાભાઈ આહિર સંભાળી રહ્યા છે.