નાર્કોટીકસના કુખ્યાત શખ્સ માંડવીના શાહિદ સુમરાના ૮ દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત એટીએસ દ્વારા આરોપીને દિલ્હીથી ઝડપીને ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં કરાયો હતો રજૂ : જખૌના દરિયામાંથી અંદાજે ૧૫૦ કરોડનો ૩૦ કિલો ગ્રામ હેરોઈનનો જથ્થો ઘુસાડવામાં શાહિદની ખુલી હતી સંડોવણી : ગુજરાત એટીએસ, પંજાબ એસટીએફ અને એનઆઈએ દ્વારા શાહિદ વિરૂદ્ધ એનડીપીએસના નોંધાવાયા હતા ૪ ગુના

ભુજ : ગુજરાત એટીએસએ ડ્રગ્સના ચાર ગુનાના વોન્ટેડ મુખ્ય સુત્રધાર માંડવીના શાહિદ કાસમ સુમરાની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીને આજે ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં રજૂ કરાયો હતો. ગુજરાત એટીએસ, પંજાબ એસટીએફ અને એનઆઈએ દ્વારા શાહિદ કાસમ વિરૂદ્ધ ડ્રગ્સ સિઝર તરીકેના એનડીપીએસ એક્ટ હેઠળ વિવિધ ચાર ગુના નોંધાયા છે. આ તમામ ગુનાઓમાં માંડવીના શાહિદ કાસમ સુમરાની સંડોવણી ખુલી હતી. અંદાજે રપ૦૦ કરોડથી વધુની કિંમતના પ૩૦ કિલો હેરોઈન – ડ્રગ્સના સિઝર કેસમાં આરોપી વોન્ટેડ હતો. જે દિલ્હી એરપોર્ટ પર આવતો હોવાની ગુપ્ત માહિતીને આધારે ગુજરાત એટીએસએ તેને ઝડપી પાડ્યો હતો. આ કુખ્યાત શખ્સ વિરૂદ્ધ કચ્છના જખૌના દરિયામાંથી અંદાજે દોઢસો કરોડનો ૩૦ કિલો ગ્રામ હેરોઈનનો જથ્થો ઘુસાડવા સહિતના કેસો નોંધાયેલા છે. ત્યારે આ કેસ સંદર્ભે ગુજરાત એટીએસ દ્વારા ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં કોર્ટમાં રજૂ કરાયો હતો. નાર્કોટિક્સના ગુનાઓના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી કે.સી. ગોસ્વામી દ્વારા આ કેસ સંદર્ભે કોર્ટમાં એટીએસ તરફે દલીલો કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે, ગત 15મી એપ્રિલે ગુજરાત એટીએસએ જખૌના દરિયામાં કોસ્ટગાર્ડ સાથે ઓપરેશન પાર પાડીને દોઢ સો કરોડના 30 કિલો હેરોઈનના જથ્થા સાથે 8 પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા હતા. આ ડ્રગ્સ પાકિસ્તાનથી ભારત ઘુસાડવામાં મુખ્ય સુત્રધાર તરીકે શાહિદ કાસમ સુમરાની સંડોવણી ખુલી હતી. જખૌના દરિયેથી પાકિસ્તાનની નુહ નામની બોટ મારફતે ડ્રગ્સનો જથ્થો કચ્છમાં ઘુસાડીને કચ્છથી પંજાબ મોકલવાનો હતો. જો કે ગુજરાત એટીએસએ જે તે વખતે મળેલા ઈનપુટસને આધારે ડ્રગ્સ માફિયાઓના મનસુબા નાકામ બનાવ્યા હતા. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા શાહિદ કાસમ સુમરાએ દોઢ સો કરોડના જંગી ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો… અન્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેન્ડલર સાથે તેની શું કડીઓ છે… આતંકી સંગઠનોને પણ તે ફન્ડીંગ કરતો હોવાનું એટીએસની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે તે સહિતની તમામ બાબતોની ઝીણવટભરી તપાસ માટે આરોપી શાહિદ કાસમ સુમરાના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટના જજ સી.એમ. પવારે 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી 7મી ઓગસ્ટે આરોપીને સાંજ 5 કલાકે પુનઃ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું સરકારી વકીલ કે.સી. ગોસ્વામીએ ઉમેર્યું હતું.