નાર્કોટીકસના કુખ્યાત શખ્સ માંડવીના સાહિદ સુમરાની ભુજની કોર્ટમાં કરાશે પેશગી

ગુજરાત એટીએસએ એનડીપીએસના વિવિધ ચાર ગુનાના વોન્ટેડ સુત્રધારની દિલ્હીથી કરી હતી ધરપકડ

ભુજ : ગુજરાત એટીએસએ ડ્રગ્સના ચાર ગુનાના વોન્ટેડ મુખ્ય સુત્રધાર માંડવીના સાહિદ કાસમ સુમરાની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીની આજે ભુજની કોર્ટમાં પેશગી કરવામાં આવશે. ગુજરાત એટીએસની ટીમ દ્વારા કુખ્યાત આરોપીને એનડીપીએસના વિવિધ ગુના કામે કોર્ટમાં રજૂ કરાશે.ગુજરાત એટીએસ, પંજાબ એસટીએફ અને એનઆઈએ સહિતના ચાર ગુનામાં માંડવીના સાહિદ કાસમ સુમરાની સંડોવણી ખુલી હતી. અંદાજે રપ૦૦ કરોડથી વધુની કિંમતના પ૩૦ કિલો હેરોઈન – ડ્રગ્સના સીઝર કેસમાં આરોપી સાહિદ સુમરા વોન્ટેડ હતો. જે દિલ્હી એરપોર્ટ આવતા ગુપ્તચર માહિતીને આધારે ગુજરાત એટીએસએ તેને ઝડપી પાડયો હતો. આ કુખ્યાત શખ્સ વિરૂદ્ધ કચ્છના જખૌના દરિયામાંથી અંદાજે દોઢસો કરોડનો ૩૦ કિલો ગ્રામ હેરોઈનનો જથ્થો ઘુસાડવા સહિતના કેસો નોંધાયેલા છે, ત્યારે આ કેસ સંદર્ભે જ ગુજરાત એટીએસ દ્વારા એનડીપીએસના ગુના તળે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. સુત્રોનું માનીએ તો બપોર બાદ ત્રણેક વાગ્યાના અરસામાં આરોપી સાહિદની કોર્ટમાં પેશગી કરાઈ શકે છે.