નારાયણ સરોવર અભ્યારણમાંથી વન વિભાગે શંકાસ્પદ ઈસમો ઝડપ્યા

ગત રાત્રીના પેટ્રોલિંગ દરમ્યાન બે શખ્સોની કરાઈ અટક : દયાપર મધ્યે સઘન પુચ્છપરછનો દોર આરંભાયો : ચિકારાનો શિકાર થયાની ચર્ચાએ પકડયું જોર

ભુજ : નારાયણ સરોવર અભ્યારણમાંથી વન વિભાગે શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. ગત રાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન બે શખ્સોની અટક કરાયા બાદ દયાપર મધ્યે તેઓની સઘન પુચ્છપરછનો દોર આરંભાયો છે. જો કે બન્ને શખ્સો દ્વારા ચિકારાનો શિકાર કરાયો હોવાની પણ ચર્ચાએ જોર પકડયું છે.
ફિલ્મ અભિનેતા સલમાન ખાને ૧૯૯૮ માં શિકારાના કરેલ શિકાર પ્રકરણમાં તાજેતરમાં જોધપુર કોર્ટે પ વર્ષની સજા સંભળાવી આપેલા ધાક બેસાડતા ચુકાદાના પગલે દેશભરમાં તેનો પડઘો પડવા પામ્યો હતો ત્યારે, આ ચુકાદાની ગુંજ હજુ સમી નથી ત્યાં લખપતમાં બરંદા નજીક ચિકારાનો શિકાર કરાયાના વહેતા થયેલ સમાચારે ખળભળાટી મચાવી દીધી છે, તો બીજી તરફ વન વિભાગે નારાયણ સરોવરઅભ્યારણમાંથી બે શંકાસ્પદ ઈસમોની અટક કરી પુચ્છપરછ આરંભતા અંદર ખાને કંઈક રંધાઈ રહ્યું હોવાની ગંધ આવી રહી છે. આજ બાબતે વન વિભાગના એમ.બી. પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ગત રાત્રીના વન વિભાગની ટીમે નારાયણ સરોવર અભ્યારણમાંથી બે શંકાસ્પદ વ્યકિતઓને ઝડપી પાડયા હતા અને તે બન્નેની હાલે પુચ્છપરછ ચાલી રહી છે. જો કે આ બન્ને શખ્સ શિકારી પ્રવૃતિમાં સામેલ છે કે કેમ તે અંગે તેઓેએ મૌન સેવ્યું છે.