નારાજ નેતાઓએ ધોકા પછાડવાનું શરૂ કરતા ભાજપ હલબલી ઉઠયું

નવી દિલ્હી : ભાજપની રાષ્ટ્રીય કારોબારી બાદ તરત જ પક્ષની અંદર જ મોદી સરકાર વિરૂધ્ધ થયેલા પ્રહારો બાદ ભલે પક્ષનું હાઇકમાન્ડ તેને મહત્વ આપતુ ન હોય પરંતુ પક્ષમાં બેચેની જરૂર અનુભવવામાં આવી રહી છે. પક્ષમાં આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે આવતા દિવસોમાં કેટલાક વધુ નારાજ નેતાઓ પોતાનો અવાજ બુલંદ કરી શકે છે. જો આવુ થયુ તો લોકોમાં આનાથી લોકોમાં ખોટો મેસેજ જશે. દેશના અર્થતંત્ર ઉપર વરિષ્ઠ નેતા યશવંત સિંહાના નિવેદનથી ભાજપના અનેક લોકો ખળભળી ઉઠયા છે અને સમજી નથી શકતા તેમના નિવેદનને કઇ રીતે કાઉન્ટર કરવુ.
ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંહાના નિવેદન મામલે કોઇ ખુલ્લેઆમ બોલવા તૈયાર નથી પરંતુ પક્ષમાં નેતાઓનો મોટો વર્ગ એવો છે કે જેમનુ માનવુ છે કે પહેલા વરૂણ ગાંધી દ્વારા રોહિંગ્યાના મામલામાં  પક્ષથી અલગ લાઇન લેવી અને હવે યશવંત સિંહા દ્વારા ખુલ્લેઆમ મોદી સરકારની નીતિઓ પર પ્રહાર કરવાથી પક્ષમાં બેઠેલા નારાજ નેતાઓને તાકાત મળશે. આ જ કારણ છે કે હવે આવતા દિવસોમાં જેટલીના વિરોધી ગણાતા સુબ્રમણ્યમ સ્વામી અને અરૂણ સૌરી જેવા નેતાઓ અર્થતંત્રને લઇને જેટલીના બહાને મોદી સરકાર ઉપર તીખા પ્રહારો કરી શકે છે. પક્ષના સુત્રોના કહેવા મુજબ યશવંત સિંહાના નિવેદનથી કોઇ ફરક નહી પડે પરંતુ આનાથી એક તો લોકોમાં ખોટો સંદેશ જશે અને બીજુ વિપક્ષ કોંગ્રેસને સરકારને ભીડવવાની તક મળી જશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એવામાં આ મામલે ભાજપને ચિંતા સતાવી રહી છે. પક્ષને એ પણ ચિંતા છે કે, સિંહાની જેમ બીજા નેતાઓ પણ સરકાર સામે અવાજ ન ઉઠાવે અને જો આવુ થયુ તો આ સીલસીલો લાંબો ચાલશે. આનુ કારણ એ છે કે અત્યાર સુધી મોદી સરકારના કામકાજ અને વલણથી નારાજ રહેતા નેતાઓ તક જોઇને પોતાનુ મૌન તોડી દેશે. ગઇકાલે સિંહાના નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે પણ અર્થતંત્રના મામલે મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે સિંહાના આરોપોને યોગ્ય ગણાવ્યા છે. ભાજપને સમજાતુ નથી કે કઇ રીતે કાઉન્ટર એટેક કરવો.