નાની સિંચાઈના બાંડી ડેમમાંથી ૧ એમએલડી પાણી લેવાનો પ્રારંભ

મધ્યમ સિંચાઈના ગોધાતડ ડેમમાંથી સપ્તાહના અંતે લેવાશે પીવાનું પાણી : ૬ ડેમોમાંથી પીવાનું પાણી લેવા ચાલતી પાઈપલાઈન નાખવાની કામગીરી એપ્રિલ એન્ડીંગમાં થશે પૂર્ણ : બીજા ૬ ડેમ અંગે અનિશ્ચિતતા

૬૯ બોર પૈકી ૪૪ બોર બનાવવાનું કામ પૂર્ણ

ભુજ : કચ્છમાં પાણી પુરૂ પાડવા માટે ડેમોમાંથી પાણી લેવા ઉપરાંત ૬૯ બોર બનાવવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી. જેમાં સરકાર દ્વારા મળેલી મંજુરી પ્રમાણે પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી આરંભાઈ હતી. ત્યારે પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઈજનેર એ.એસ. રાઠવાના કહેવા મુજબ ૬૯ બોર પૈકી ૪૪ બોરનું કામ પૂર્ણ કરી દેવાયું છે અને ૩ર જેટલા બોરમાંથી પાણી મેળવવાનું ચાલુ કરી દેવાયું છે. જે પ્રમાણે પાણીની જરૂરિયાત જણાય છે તે મુજબ પાણી મેળવીને વિતરણ શરૂ કરાયું છે. અન્ય તૈયાર થઈ ગયેલા ૧ર બોરમાંથી ટૂંક સમયમાં પાણી લેવામાં આવશે. મોટર લગાડવા સહિત પાઈપ લાઈન ફિટીંગનું કામકાજ પ્રગતિમાં છે. તો ૪૪ ઉપરાંત અન્ય ૮ બોર બનાવાનું કામ પ્રગતિમાં છે. જે સંપન્ન થતા કુલ પર બોર બની જશે અને આગામી ૩૦મી એપ્રિલ સુધી તમામ કામગીરી પૂર્ણ થાય તે રીતે હાલ કામગીરી ચાલી રહી હોવાનું તેમણે અંતમાં ઉમેર્યું હતું.

 

ભુજ : કાળઝાળ ઉનાળામાં કચ્છમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે, તેવામાં કચ્છની મધ્યમ સિંચાઈ તેમજ નાની સિંચાઈના કેટલાક ડેમોમાંથી પીવાનું પાણી મેળવવાની યોજના પર કામગીરી ચાલી રહી છે. તે પૈકી પચ્છમ બાંડી ડેમમાંથી પ્રતિદિન ૧ એમએલડી પાણી મેળવવાનો પ્રારંભ થયો છે. તો ગોધાતડ ડેમમાંથી પણ સપ્તાહના અંતેથી પાણી લેવામાં આવશે.
કચ્છમાં પાણીના સ્થાનિક સોર્સ નહીવત હોવાથી દર વર્ષે ઉનાળામાં પાણીની કટોકટી સર્જાય છે. તેમાય આ વર્ષ નર્મદા ડેમમાં પાણી ઓછું થઈ જતા અંતરિયાળ કચ્છ જિલ્લાને મળતા પાણીને અસર તો પહોંચી જ છે, તેવામાં કચ્છમાં પાણી પુરૂ પાડવા મધ્યમ અને નાની સિંચાઈ યોજનાના ડઝન ડેમોમાંથી પાણી લેવાની મંજુરી મળ્યા બાદ તેમા કામગીરી ચાલી રહી છે. જેમાં પાંચ મધ્યમ સિંચાઈના અને અન્ય ૭ નાની સિંચાઈના ડેમો મળીને કુલ ૧ર ડેમોમાંથી પીવાનું પાણી લેવામાં આવશે. ખાસ ઉનાળા પૂર્વે આ કામગીરી સંપન્ન કરવાની સુચના જિલ્લાના પાણી પુરવઠા વિભાગને અપાઈ છે. જેમાંથી હાલ પચ્છમ બાંડી ડેમમાંથી પાણી મેળવવાની શરૂઆત કરાઈ હોવાનું જિલ્લા પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઈજનેર એ.એસ. રાઠવાએ જણાવ્યું હતું. તો મધ્યમ સિંચાઈના મહત્વના પાંચ ડેમોમાંથી વધારાનું પાણી મેળવવા માટે પાઈપલાઈન નાખવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં ચારેક દિવસમાં લખપતના ગોધાતડ ડેમમાં ચાલતી કામગીરી સંપન્ન થઈ જશે. તેથી સપ્તાહના અંત સુધીમાં આ ડેમમાંથી પ્રતિદિન ર એમએલડી પાણી મેળવવામાં આવશે.
આ ઉપરાંત રાપરના સુવઈ, ફતેહગઢ, લખપતના ગજણસર અને અબડાસાના મીઠી ડેમમાંથી પાણી મેળવવા માટેની કામગીરી ચાલી રહી છે. જે એપ્રિલના અંત સુધીમાં સંપન્ન થઈ શકે છે તેવું જિલ્લા પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઈજનેર એ.એસ. રાઠવાએ ઉમેર્યું હતું. અલબત ૧૦ દિવસ પૂર્વે કુલ્લ ૧ર ડેમોમાંથી પેચજળ લેવાની જાહેરાત કરાઈ હતી , પરંતુ બાકીના પાંચ ડેમમાં આ કામગીરી કયારે થશે એ અનિશ્વિત છે.