નાની વરંડી ગામે વાડીમાંથી ૬૯ હજારનો શરાબ પકડી પાડતું આરઆર સેલ

નલિયા : અબડાસા તાલુકાનાની વરંડી ગામની સીમમાં એક વાડીમાં ભુજ આરઆર સેલની ટીમે છાપો મારી ૬૮,૮૦૦ની કિંમતની ૧૭ર બોટલ શરાબ પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આઈજીપી શ્રી પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ આરઆર સેલનો સ્ટાફ અબડાસા તાલુકામાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન આરઆર સેલના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે નાની વરંડી ગામે રહેતા વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરૂ કનુભા જાડેજાની વાડીની ઓરડીમાં છાપો મારી જુદા-જુદા બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની બોટલો નંગ ૧૭ર કિંમત રૂા.૬૮,૮૦૦નો જથ્થો પકડી પાડ્યો હતો. રેડ દરમ્યાન વાડી માલિક હાજર ન મળતા તેની સામે કોઠારા પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. દરોડાની કામગીરીમાં નરેન્દ્રસિંહ જાડેજા, અબ્દુલભાઈ સમેજા, દિનેશભાઈ ભટ્ટી વિગેરે જોડાયા હતા.