નાના ભાડિયા નજીકથી ૭.૧૪ લાખનો વિદેશી શરાબ ઝડપાયો

માંડવી પોલીસે પાડેલા દરોડામાં એક શખ્સની ધરપકડ, અન્ય ચાર આરોપીઓ નાસી છૂટ્યા : એક ટ્રક અને છોટાહાથી સહિત પોલીસે કુલ ૧૯.૧૯ લાખનો મુદ્દામાલ કર્યો કબજે

માંડવી : તાલુકાના નાના ભાડિયાથી કાંડાગરા જતા માર્ગ પર બાવળની ઝાડીઓ વચ્ચેથી માંડવી પોલીસે ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસના દરોડામાં ૭.૧૪ લાખના શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ હતી. જ્યારે અન્ય ચાર આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે ટ્રક અને છોટાહાથી મળીને કુલ ૧૯.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સૂચનાથી માંડવી પોલીસનો સ્ટાફ દારૂ-જુગારની બદીઓને નેસ્ત-નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હેડકોસ્ટેબલ વાલાભાઈ દાનાભાઈ ગોયલને મળેલી બાતમી હકીકતના આધારે નાના ભાડિયાથી કાંડાગરા જતા માર્ગ પર બાવળ ઝાડીઓ વચ્ચે દરોડો પાડવામાં આવ્યો હતો. માંડવીના ઈન્ચાર્જ પીઆઈ આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે દારૂના જથ્થાનું કટિંગ ચાલુ હતું તે દરમિયાન દરોડો પાડ્યો હતો. જેમાં રૂા.૬,૪૬,૮૦૦ની કિંમતની ૧૮૪૮ નંગ દારૂની બોટલ તેમજ રૂા.૬૭,ર૦૦ના ૬૭ર નંગ ક્વાટરીયા મળીને કુલ ૭.૧૪ લાખનો પ્રોહિ.મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ સ્થળેથી પોલીસે જીજે૧ર-ઝેડ-૪૦૬૧ નંબરની ટ્રક તેમજ જીજે૧ર-બીવી-૦૮૪ર નંબરની છોટાહાથી અને એક મોબાઈલ મળીને કુલ ૧૯.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
દરોડા દરમિયાન પોલીસે ભચાઉના ભવાનીપરમાં રહેતા મુળ શાંતલપુર રોઝુના શખ્સ જગદીશ પરબતભાઈ મક્વાણાની ધરપકડ કરી હતી. જ્યારે માંડવીના ત્રગડીમાં રહેતા યુવરાજસિંહ વજુભા જાડેજા, મેહૂલસિંહ ચંદુભા ઝાલા, ગાંધીધામમાં રહેતા અમીતભાઈ ભાનુશાલી અને છોટાહાથીનો ચાલક નાસી છૂટ્યા હતા. પોલીસે પ્રોહિબિશન સહિતનો મુદ્દામાલ કબજે કરી વિધિવત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીમાં ઈન્ચાર્જ પીઆઈ આર.સી. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ ગોયલ, મુળરાજભાઈ કરમશીભાઈ, મયૂરસિંહ રાજેન્દ્રસિંહ રાણા, સંજયકુમાર માનસંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભાર્ગવ ચૌધરી, ભગીરથસિંહ ડાભી, અનુપભાઈ કાપડી, હરેશ પરમાર, પિયુષ ચાવડા સહિતનો સ્ટાફ જોડાયો હતો.