નાણા-હપ્તાની ઉઘરાણી માટે કચ્છમાં રિકવરી એજન્ટોની ધીકતી દાદાગીરી

વાહનો કે અન્ય મિલ્કતો હપ્તેથી લેનારા વ્યક્તિઓ કોવિડની સ્થિતિના કારણે નથી ચુકવી શકતા સમયસર હપ્તા :
નાણાભીડ વચ્ચે પઠાણી ઉઘરાણી માટે ફાયનાન્સ એજન્સીઓના એજન્ટો અને વ્યાજખોરો બેલગામ બન્યા : પોલીસ મુક પ્રેક્ષક

(બ્યુરો દ્વારા)ભુજ : આજકાલ દરેક વસ્તુ સરળ હપ્તેથી લોકોને ઉપલબ્ધ થાય છે. મધ્યમ વર્ગના લોકો હપ્તેથી વસ્તુઓ વસાવી પોતાનું ઘર સંસાર ચલાવતા હોય છે. જો કે, કોરોનાના આ સમયગાળામાં લોકડાઉન અને કોવિડની અસરોના કારણે મોટા ભાગના લોકોના ધંધા – રોજગારને વ્યાપક અસર, રોજગારી છીનવાઈ જવી જેવા પ્રશ્નો ઉભા થતા આર્થિક નાણાભીડનો સામનો કરવાની નોબત આવી છે. આ વચ્ચે ઉછીના આપેલા નાણા અને વાહન ખરીદીના હપ્તા ચડી જતા એજન્ટો દ્વારા ધીકતી દાદાગીરી કરી ગુંડારાજ ચલાવાઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.આ અંગેની વિગતો મુજબ મોટા ભાગના લોકો આજે હપ્તેથી વાહનો ખરીદતા હોય છે. પોતાની આવક પ્રમાણે હપ્તાની રકમ બાંધણું કરાવતા હોય છે. જો કે એકાએક કોરોનાએ ઉથલો મારતા મોટા ભાગના લોકોએ જે રોલેશન નક્કી કર્યા હતા, તેમાં ગાબડું પડતા પરિવારની આર્થિક વ્યવસ્થા ભાંગી પડી છે, તેવામાં વાહનના હપ્તા ચડી ગયા છે, તેની ભરપાઈ કેવી રીતે કરવી તે સવાલ મધ્યમવર્ગને સતાવી રહ્યો છે. આ વચ્ચે વિવિધ ફાયનાન્સ પેઢીના રિકવરી એજન્ટો દ્વારા લોનની રિકવરી માટે લોન લેનારને કનડગત કરવામાં આવી રહ્યા છે. બાઈકો પર ધંધા – રોજગારના સ્થળે આવી હપ્તાની ઉઘરાણી કરવી, રોડ પર વાહન ઉભું રખાવી દાદાગીરી કરવી, ગાળો આપવી, બેફામ વાણી વિલાસ કરી લોનના હપ્તા ભરવા માટે ગાડી ખેંચી જવી, ગાડી ફાયનાન્સ કંપની કે બેંકમાં જમા કરાવી દેવી જેવી ધમકીઓ આપી વાહન માલિકને પરેશાન કરી બળજબરીથી નાણા વસુલ કરવામાં આવે છે. મોટા ભાગના એજન્ટો આવી રીતે ગાડી ખેચવાની ધમકી આપી રૂપિયા પડાવતા હોવાનું પણ ભોગગ્રસ્તોમાંથી સામે આવી રહ્યું છે. ઉપરથી ફાયનાન્સ પેઢી દ્વારા આવા એજન્ટોને વધારે કમિશન આપી યેન કેન પ્રકારે વસુલાત માટે દબાણ કરવામાં આવે છે. જેનાથી મધ્યમવર્ગ શીકાર બને છે.આ તો વાહનના હપ્તાની વાત થઈ. જે લોકોએ વ્યાજે ઉછીના રૂપિયા લીધા છે અને કોરોનાના આ સમયમાં સમયસર ભરી શક્યા નથી, તેઓને પણ વ્યાજખોરો દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે. મુળ મુદ્દલના વ્યાજમાં વધારો કરી જેટલી મુદલ હોય તેટલું તો વ્યાજ લઈ લેવામાં આવે છે. ધારો કે ૧૦ હજાર ઉછીના લીધા હોય તો દર મહિને ૧ હજાર રૂપિયા વ્યાજ લઈ જાય. પાછા ૧૦ હજાર તો બાકીને બાકી. આ ઉપરાંત પણ ઈલેકટ્રીક સંસાધનો, મકાન માટે બેંકમાંથી લીધેલ લોનના હપ્તા ચડી જતા એજન્ટો દ્વારા ગુંડાગીરી કરી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. આ સમયગાળામાં માનવતા દાખવાને બદલે રૂપિયા વસુલવાનું પ્રેશર રખાતું હોવાથી ભારે કચવાટ પ્રવર્તી રહ્યો છે. આવા એજન્ટોના ત્રાસથી દબાણમાં આવી જઈને ઘણા લોકોએ તો આત્મહત્યાના કે ઘરછોડવાના પ્રયાસો પણ કરી ચુકયાના બનાવો ઉજાગર થઈ ચુકયા છે.આ બધી દાદાગીરી સામે પોલીસ મુકપ્રેક્ષક છે. જો કે ભોગ બનનારે દાદાગીરી સહન કરવાને બદલે પોલીસને જાણ કરવી જોઈએ. જેથી પોલીસ થોડીક તો મદદ કરી શકે તેમ છે.

વ્યાજખોરોની ફરિયાદો માટે લોકદરબાર પુનઃ યોજવો જરૂરી

ગાંધીગ્રામ-ર(યુનિ) પોલીસે લાયસન્સ વગર નાણા ધીરધારનો ધંધો કરનાર પાંચ શખ્સો પાસામાં પુરાયા

ભુજ : તત્કાલિન એસપી સૌરભ તોલંબીયા દ્વારા ભુજમાં પ્રથમ વખત વ્યાજખોરોની ફરિયાદો માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. ત્યારે ઘણા લોકોએ ચોધાર આંસુએ રડીને પોતાની આપવીતી વર્ણવી હતી. તે સમયે તો કોરોના ન હતો. છતા પણ દાદાગીરી બેફામ હતી. હાલમાં કોવિડના દોઢ વર્ષના સમયગાળામાં આર્થિક કટોકટી અને પરિવારો વિખેરાઈ જતા અનેક પરિવારોને ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની ગયા છે, તેવામાં વ્યાજખોરો સામે ઉઠેલી ફરિયાદો માટે ભુજમાં ફરીથી લોક દરબાર યોજવો જરૂરી છે. કોઈ નિર્દોષ વ્યક્તિ વ્યાજખોરોની ચુંગાલથી કંટાળી પોતાનું જીવન ત્યાગી દે તે પૂર્વે ઝડપથી લોક દરબાર યોજવો જરૂરી બન્યો છે. તાજેતરમાં ગુજરાતના ગાંધીગ્રામ-ર(યુનિ) પોલીસે લાયન્સ વગર નાણા ધીરધારનો ધંધો કરનાર પાંચ શખ્સોકને પાસોમાં પુરી ધાકબેસાડતી કાર્યવાહી કરી હતી. આવી કાર્યવાહી કચ્છમાં પણ કરાય તે જરૂરી બન્યો છે. કચ્છમાં નાણા ધીરધારનો લાયસન્સ ન જુજ વ્યક્તિ ધરાવે છે.