નાડાપા વિસ્તારના ૬થી ૭ ગામોમાં લો-વોલ્ટેજની સમસ્યા ભૂતકાળ બની જશે : વાસણભાઈ આહિર

૬૬ કેવી નાડાપા સબસ્ટેશનનું રાજ્યમંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કરાયું લોકાર્પણ : ૭.૪પ કરોડના ખર્ચે તૈયાર થયું છે નવું સબ સ્ટેશન

ભુજ : તાલુકાના નાડાપા સહિત આસપાસના છથી સાત ગામોને છેલ્લા કેટલાય સમયથી લો-વોલ્ટેજની સમસ્યા હતી. આ વિસ્તાર ઈન્ડસ્ટ્રીયલ હબ હોવાથી ઔદ્યોગિક એકમોની માંગના પ્રતિસાદરૂપે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂા.૭.૪પ કરોડના ખર્ચે ૬૬ કેવી સબ સ્ટેશન નાડાપામાં બનાવામાં આવ્યું છે. જેનું આજે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર અને સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આહિર સમાજવાડી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહેમાનોને દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો અને પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. સબ સ્ટેશનને લોકાર્પણ કર્યા બાદ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, આ સબ સ્ટેશન નિર્માણથી નાડાપા, હબાય, અટલનગર, ચપરેડી, ધ્રંગ, લોડાય, મમુઆરા સહિતના ગામોમાં લો-વોલ્ટેજની સમસ્યા ભૂતકાળ બની જશે. આ તમામ ગામોમાં ફુલ વોલ્ટેજથી લોકોને વીજ પુરવઠો મળશે. નાડાપા ગામે સબ સ્ટેશન મંજૂર કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલનો આભાર પણ માન્યો હતો. તેમજ સબ સ્ટેશન ઊભું કરવામાં તનતોડ મહેનત કરનારા પીજીવીસીએલ, ગેટકોના કર્મઠ કર્મવીરોને અભિનંદન આપ્યા હતા. તો સાંસદ વિનોદ ચાવડાએ પણ સરકારનો આભારમાની આ વિસ્તારની સમસ્યા ઉકેલાઈ હોવાનું જણાવી નવા સબ સ્ટેશનથી અહીંના લોકોને ફુલ વોલ્ટેજથી વીજળી મળશે જેથી પાવરની સમસ્યા નહીંવત બની જશે તેવું જણાવી ગુજરાત વિકાસના પંથે અગ્ર હરોળમાં દોડી રહ્યું છે તેવું કહ્યું હતું.નાડાપાના સરપંચ દેવજી હધુ કાગીએ કહ્યુ કે, છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં લો-વોલ્ટેજની સમસ્યાથી જેનું નિરાકરણ કરવા બદલ સાંસદ, રાજ્યમંત્રી તથા ગેટકો-પીજીવીસીએલના અધિકારીઓનો આભાર માન્યો હતો તો ટુંક સમયમાં નાડાપાથી ધાણેટીને જોડતા ૮ કિ.મી.ના નવા સી.સી.માર્ગનું અંદાજે ૧૬ કરોડના ખર્ચે કામ શરૂ થશે તેવું પણ કહ્યું હતું.પીજીવીસીએલ અધિક્ષક ઈજનેર એ.એસ. ગરવાએ જણાવ્યું કે, રૂા.૭.૪પ કરોડના ખર્ચે આ સબ સ્ટેશન તૈયાર થયું છે. જેનાથી આસપાસના ૬થી ૭ ગામના લોકોને લાભ મળવાનું છે. આ વિસ્તાર ઈન્ડસ્ટ્રીયલ હબ હોવાથી લો-વોલ્ટેજની ઘણી ફરિયાદો હતી. જે હવે નવા સબ સ્ટેશનથી ઉકેલાઈ ગઈ છે.હવે અહીંના લોકોને ઘર વપરાશ અને કોમર્શીયલ વપરાશ માટે ફુલ વોલ્ટેજ મળી રહેશે. ગેટકોના અધિક્ષક ઈજનેર ડી.બી.વામજાના આયોજન હેઠળ યોજાયેલા આ સમારોહમાં જિલ્લા પંચાયત સદસ્ય હરીભાઈ જાટીયા તેમજ આગેવાનો રાણાભાઈ આહિર, સતીષભાઈ છાંગા, રણછોડભાઈ છાંગા, ગોકુળભાઈ કાનાભાઈ ડાંગર, દેવજીભાઈ આહિર, ફકીરમામદભાઈ, દતુભાઈ દાનાભાઈ ચાડ, નરશીભાઈ પટેલ, હરીભાઈ ડાંગર, લખમણભાઈ, નારાણભાઈ ડાંગર, ગોપાલભાઈ માતા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગેટકોના કાર્યપાલક ઈજનેર શ્રી ડાંગીએ આભારવિધિ કરી હતી.