નાડાપામાં પત્રકાર તરીકે તોડ કરનાર શખ્સના આગોતરા રદ્દ : બંને આરોપીઓએ પોલીસને કર્યું સરેન્ડર

મીડિયા કર્મી તરીકે ડારા ડફારા કરી ભુજના યુવાન પાસેથી ખંખેરાયા હતા રૂપિયા ૧.ર૦ લાખ

ભુજ : તાલુકાના નાડાપા ગામે ખેતીની જમીનમાં જેસીબીથી વાડ બનાવી રહેલા ચાલક અને માલિકનો વીડિયો બનાવી વાહન જપ્ત કરાવવાની ધમકી આપીને બે મીડિયા કર્મચારીઓએ રૂા. ૧.ર૦ લાખ પડાવી લીધા હતા. જે અંગે પદ્ધર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના પગલે એક આરોપીએ આગોતરા જામીનની માંગણી કરી હતી. જે કોર્ટે ફગાવી દેતા બંને શખ્સોએ પદ્ધર પોલીસમાં સરેન્ડર કર્યું હતું. રૂપિયા ૧.ર૦ લાખની તોડ કર્યાના કેસની વધુ વિગતો મુજબ નાડાપા ગામે ખેતીની જમીનમાં જેસીબીથી વાડ બનાવી રહેલા ચાલક અને માલિકોનો વીડિયો બનાવી વાહન જપ્ત કરાવવાની ધમકી આપીને સ્વતંત્ર ભૂમિ ન્યુઝના પત્રકાર એવા આરોપી ભાવેશ ડાંગર અને ભુજના જયદીપગિરિ ગુંસાઈએ રૂા. ૪થી પ લાખની માંગણી કરી હતી. અંતે ભોગ બનનાર પાસેથી રૂા. ૧.ર૦ લાખ પડાવ્યા હતા. આ સમગ્ર બાબતનો વીડિયો વાયરલ કરી ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે બંને આરોપીઓ પૈકી ભાવેશ ડાંગરે આગોતરા જામીન મેળવવા માટે ભુજ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અન્વયે બંંને પક્ષની દલિલો સાંભળ્યા બાદ આઠમાં અધિક સેશન્સ જજ શ્રી રાણાએ આગોતરા જામીન નામંજુર કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકિલ પી.એ. વાણિયાએ હાજર રહી ધારદાર દલિલો કરી હતી. આરોપીના આગોતરા જામીન રદ્દ થતાં બંને આરોપીઓ પદ્ધર પોલીસ સમક્ષ હાજર થયા હતા. ત્યારે પોલીસે અટકાયતી પગલાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.