નવા ભારતનાં નિર્માણમાં હાઈવે નિર્માણને અગ્રતા : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

ગુજરાતમાં રૂા.૧ર.૧૮પ કરોડના જુદા-જુદા ૪૧ જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેકટ નિર્માણ હેઠળ છે

ગાંધીનગર : દેશના વિકાસ માટે રાજમાર્ગોનું નિર્માણ કરવું અનિવાર્ય છે. નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ વાળી સરકાર રાજમાર્ગોના નિર્માણ પર વિશેષ ભાર મુકી રહેલ છે. આઝાદી મળ્યાથી ર૦૧૪ સુધીમાં દેશમાં ૯ર હજાર કિ.મી નેશનલ હાઈવે હતા. માત્ર ૩ વર્ષમાં વર્તમાન સરકારે બીજા ૪૦ હજાર કિ.મી માર્ગોને નેશનલ હાઈવે તરીકે જાહેર કરવામાં આવેલ છે. અગાઉ યુપિએ સરકારમાં દિવસની ૧૧ કિ.મી માર્ગોનું નિર્માણ થતું. આજે દરરોજ ર૮ કીમી રાજમાર્ગોનું નિર્માણ થાય છે. વર્ષ ર૦૧૧-ર૦૧૪ દરમિયાન યુપિએ સરકારમાં કુલ ૧પ હજાર કીમી રાજમાર્ગોનું નિર્માણ થયેલ જયારે વર્તમાન સરકારનાં ત્રણ વર્ષમાં ૧૮,૭૪૦ કીમીથી વધુ રાજમાર્ગોનું નિર્માણ થયું છે. નવા ભારતના નિર્માણ માટે દેશમાં રોડ કનેકિટવીટીને પ્રાધાન્ય આપતા સરકારે ભારતમાલા પ્રોજેકટ અમલમાં મુકેલ છે. જે અંતર્ગત પ્રથમ ચરણમાં કુલ ૩પ૦૦૦ કીમી રસ્તાઓનું નિર્માણ રૂા.પ,૩પ,૦૦૦ કરોડ ખર્ચે કરવાની યોજવાનીને મંજુરી આપેલ છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ પ૧૪પ કીમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો આવેલા છે. જે પૈકીના ૧૦૯૩ કીમી રાષ્ટ્રીય ધોરીમાર્ગ એપ્રિલ-ર૦૧૪ પછી ઉમેરાયા છે. ગુજરાતમાં હાલમાં જુદા જુદા ૩૬ જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાંધકામના પ્રોજેકટ ચાલી રહ્યા છે જેનો કુલ અંદાજીત ખર્ચ રૂા.૧૧,૮૩૦ કરોડ જેટલો છે. વધુમાં ૭૦૦ કીમી લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું અંદાજે રૂા.ર૩૦૦૦ કરોડના ખર્ચે મંજુરી હેઠળ છે જે આગામી ૩ માસમાં મંજુર કરવામાં આવશે.
આ ઉપરાંત ભારતમાલા પ્રોજેકટ હેઠળ આગામી ૩ થી પ વર્ષ દરમિયાન હાથ ધરવા લાયક કામોમાં જુદા-જુદા પ૭પ૧ કીમી લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને તથા ૭ લોજીસ્ટીક પાક્સને રૂા.૧,૦ર,૧૭૦ ના ખર્ચે સૈદ્ધાંતિક રીતે મંજુર કરાયેલ છે. જે પૈકીનો પ્રથમ લોજીસ્ટીક પાર્ક સુરત ખાતે નિશ્વિત કરાયેલ છે.
આમ, રોડ કનેકિટવીટી વધે તથા મિસીંગ લીંકને નાબુદ કરી શકાય તે માટે સર્વગ્રાહી નિર્માણ યોજના બનાવી રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.