ખેડૂતોના ખેતરે ગ્રામીણ પંથકમાં થતા વેપારોમાં છેતરપિંડીના બનાવો વધ્યા ઃ માલના વજનમાં ફેરફાર સહિતના મુદ્દે ધરતીપુત્રોને પીસાવાનો આવ્યો વારો ; બજારભાવ કરતા વધુ નાણા ચુકવી પખવાડિયા – મહિનાની મુદ્‌તની લાલચમાં ખેડૂતોને દલાલો – લેભાગુ વેપારીઓ ઉતારી રહ્યા છે શીશામાં ઃ લેભાગુ વેપારીએ નખત્રાણા પંથકના અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા તે કિસ્સો તાજાે જ છે

 

ભુજ : કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા કૃષિ કાયદાના કારણે એપીએમસીઓની હાલત શોભાના ગાંઠીયા સમાન બની રહી છે. વેપાર ધંધામાં ઘટાડો થતા બજાર સમિતિઓની માર્કેટ ફીની આવકમાં ખુબ જ મોટો ઘટાડો થયો છે. ઘણી બજાર સમિતિઓની આવક તો શૂન્ય થઈ ગઈ છે. અમુક બજાર સમિતિઓ પાસે તો જમીન પણ ઉપલબ્ધ નથી. આવા સંજાેગોમાં કૃષિ કાયદાને કારણે ૩પ જેટલી બજાર સમિતિના કર્મચારીઓના છેલ્લા ૬ માસથી પગાર પણ નથી મળ્યો. બજાર સમિતિના સ્ટાફનો ધીરે ધીરે સંકેલો થઈ રહ્યો છે, જેની અસર સીધે સીધી ખેડૂતો પર પડી રહી છે. એપીએસીમાં થતા વેપારોમાં ખેડૂતોની સલામતી જળવાયેલી હતી પરંતુ હવે કચ્છમાં માર્કેટયાર્ડો બહાર થતા ખેતપેદાશોના ખરીદ-વેંચાણના સોદાઓ ખેડૂતો માટે જાેખમી બન્યા છે તેવું અમુક ખેડૂતોએ આક્રોશ ઠાલવતા જણાવી રહ્યા છે. કચ્છમાં મોટા ભાગે એપીએમસી ભાજપ સંચાલિત હોઈ આ નવા કાયદા મુદ્દે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

આ અંગેની વિગતો મુજબ હાલમાં નવા કૃષિ કાયદાને કારણે એપીએમસીઓમાં વેપાર – ધંધા સાવ ઠપ્પ થઈ ગયા છે. બીજી તરફ વેપારીઓ સીધા ખેડૂતોના સંપર્કમાં આવી ગામડાઓમાંથી ખેત પેદાશોની જણસોનો વેપાર કરી માલ ઉપાડી જાય છે. જાે કે, ખેડૂતોના ખેતરે ગ્રામીણ પંથકમાં થતા વેપારોમાં છેતરપિંડીના બનાવો વધ્યા છે. હાલમાં જ નખત્રાણા પાવરપટ્ટી સહિતના પંથકમાં અનેક ખેડૂતોના હજારો ગુણી એરંડા ઉંચા ભાવે ખરીદાયા બાદ વેપારી દ્વારા નાણાની ચૂકવણી નહીં કરાતા ખેડૂતોના રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો પણ બજારભાવ કરતા ઉંચા ભાવે વેંચાણની લાલચમાં આવી જઈ શીકાર બન્યા હોવાનું જણાઈ આવે છે. તો અનેક વેપારના સોદામાં માલના વજનમાં ફેરફાર સહિતના મુદ્દે ધરતીપુત્રોને પીસાવાનો વારો આવતો હોય છે. બજારભાવ કરતા વધુ નાણા ચુકવવાની વાતો કરી પખવાડિયા – મહિનાની મુદતની લાલચમાં ખેડૂતોને દલાલો – લેભાગુ વેપારીઓ શીશામાં ઉતારી રહ્યા છે. કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદામાં ખેડૂતોની સલામતી માટે પણ વિચારવું જરૂરી બની ગયું છે. ખેડૂતો ચિટીંગનો ભોગ બને છે ત્યારે અહીંથી તહીં ભટકવું પડે છે. ચિટીંગના આવા કિસ્સાઓમાં મોટા રાજકારણીઓ દ્વારા તંત્ર પર દબાણ થાય ત્યારે જ ફરિયાદોનો દોર શરૂ કરાય છે. આ અંગે અનુભવી ખેડૂતો હાલની પરિસ્થિતિનો ચિતાર આપતા જણાવે છે કે, ખેડુતો પોતાની ખેત પેદાશોના વેચાણ માટે માર્કેડયાર્ડોમાં માલ લઈ આવે તો ખેતરેથી માલ ઉપાડવાની મજૂરી અને વાહન ભાડા સહિતનો ખર્ચનો બોજ પડતો હોવાથી ગુણી દીઠ પ થી ૧૦ રૂપિયા મજૂરી અને રપ થી ૩૦ રૂપિયા વાહન ભાડું ગણવામાં આવે તો એક ગુણી દીઠ ૪૦ થી પ૦ રૂપિયાનો ફરક પડે છે, અને ગામડાઓમાં જ સોદાઓ થાય તો મજૂરી અને વાહન ભાડામાંથી ખેડૂતોને રાહત મળે છે તેના કારણે પણ વેપારીઓને ખેત પેદાશો ખેતરેથી જ વેચાણ કરી દે છે, પણ સરકાર નવા કાયદામાં ખેડૂતનું હિત જળવાય તેના ઉપર ખાસ ધ્યાન આપે તે અનિવાર્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધંધાકીય હરિફાઈઓમાં વેપારીઓ અને દલાલો બજાર ભાવ કરતા ઉંચા ભાવ આપે છે. તો અમુક વેપારીઓ પખવાડિયા – મહિનાની મુદતના સોદાઓ કરી ખેડૂતોને લલચાવી – ફોસલાવી ખેતપેદાશો લઈ ગયા બાદ રૂપિયા આપવામાં ગલ્લા તલ્લા કરે છે. અમુક કિસ્સામાં ખેડૂતોને માલ વેચ્યા બાદ છેતરાયા હોવાનું અહેસાસ થાય ત્યારે પોતાની પરસેવાની કમાણીના રૂપિયા મેળવવામાં પણ પગની ચપલના તળિયા ઘસાઈ જાય છે. અમુક કિસ્સામાં રૂપિયા પરત મળતા નથી. તો કયારેક વચેટીયાઓ દ્વારા સમાધાનની ફોર્મયુલા અપનાવી મામલા પતાવી દેવામાં આવે છે. જાે કે પાછલા દોઢ વર્ષથી કોરોનાના કારણે એપીએમસીઓમાં થતા વેપાર કરતા ખેડૂતોના ખેતરેથી  થતા વેપારમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. ભાવ ઉંચા મળવાની સાથોસાથ સલામતી સામે પણ જાેખમ ઉભું થયું છે.