નવરાત્રિ સંપન્ન થયા બાદ હમીરસરમાં ગરબા વિસર્જન

ભુજ : છેલ્લા ૯ દિવસથી આદ્યશક્તિ મા જગદંબાની ઉપાસના કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે હોમ હવન અને પતરી વિધિ બાદ નવરાત્રિ વિધિવત સંપન્ન થઈ રહી છે. ત્યારે ભુજના હ્યદય સમા હમીરસર તળાવમાં ગરબા વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યોતિષોએ તેમજ આશાપુરા મંદિર દ્વારા ગરબા વિસર્જન માટેનો શુભ સમય ૫થી ૬ઃ૪૦ સુધીનો નક્કી કરાયો હતો. સાથે જ રાત્રે સાડા નવથી અગિયાર વાગ્યા દરમિયાન પણ ગરબા વિસર્જનનો શુભ યોગ છે. ત્યારે આ સમયે પણ ગરબા વિસર્જન થઈ શકશે. સાંજે પાંચ વાગ્યા બાદ ભુજના હમીરસર તળાવમાં મોટી સંખ્યામાં બહેનો ગરબા વિસર્જન માટે ઉમટી પડી હતી. હમીરસર તળાવમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રોટરી ક્લબ દ્વારા ગરબા એકત્ર કરવાની સુવિધા ઉભી કરાઈ હતી. હમીરસરનાં પાણીમાં ગરબાનું શુકન કરાવીને ભાવિકો તળાવનાં પગથિયા પાસે ગરબા મૂકતા હતા. રોટરી ક્લબે આ વ્યવ્સથા ગોઠવી પરંતુ તેમના કોઈ જવાબદારો હમીરસર કાંઠે તૈનાત ન હતા. તેથી ભાવિકો હમીરસરમાં જ ગરબા વિસર્જન કરતા જોવા મળ્યા હતા. જો કે ગરબાઓ માત્ર માટીના બનેલા હોવાથી જળાશયમાં વધુ પડતું નુકસાન થતું નથી