નવરંગપુરાના યુવકનું કારમાં ૩ શખ્સોએ અપહરણ કર્યું, યુવતીની છેડતી કરી હોવાનું કહી ઢોર માર માર્યો

(જી.એન.એસ.)અમદાવાદ,નવરંગપુરામાં રહેતા અને આઇટી કમ્પનીમાં નોકરી કરતાં ૨૨ વર્ષીય યુવકનું અજાણ્યા ત્રણ શખ્સોએ અપહરણ કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. કોઈ યુવતીની છેડતી કરી હોવાનું કહીને અપહરણ કરી માર માર્યો હોવાનું બહાર આવ્યું છે વસ્ત્રાપુર પોલીસે આ અંગે કારમાં સવાર ૩ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.નવરંગપુરા વિસ્તારમાં આવેલા આનલ ટાવરમાં રહેતા તન્મય પંચોલી પ્રહલાદનગર ખાતેની આઇટી કમ્પનીમાં નોકરી કરે છે. નોકરીનો સમય પૂરો કરી બુધવારે વહેલી સવારે ૪ વાગે એક્ટિવા લઈ ઘરે જતો હતો આ સમયે શિવરંજની બ્રિજ પાસે રેનોલ્ડ કવીડ કાર આવી તેમાં બેઠેલા એક શખ્સે ચાલુ કારમાં હિન્દીમાં પૂછ્યું કે, તું મુજે જાનતા હૈ ? તન્મયે ના પાડી હતી. જેથી કારના ચાલકે કારમાં બેસી જવા કહ્યું હતું. જેથી તન્મય ડરી જતા તેણે એક્ટિવા ફાસ્ટ ચલાવ્યું હતું. સામે કાર ચાલકે પણ ફાસ્ટ કાર ચલાવી તન્મયના એક્ટિવાને ટક્કર મારી પાડી દીધું હતું. બાદમાં બે યુવકો કાર માંથી બહાર આવ્યા અને તન્મયને કારમાં બેસાડી દીધો ત્યાંથી ભાગવા તેને પ્રયત્નો કર્યા પરંતુ કાર ચાલકે છરી બતાવતા તે ડરી ગયો હતો.એક શખ્સે જણાવ્યું કે, તું લડકીઓ કો છેડતા હૈ ઇશ લિયે તુજે ભૂગતના તો પડેગા. તેમ કહી એક યુવતીનું નામ આપ્યું હતું અને તેની પાસે તારે માફી માંગવી પડશે તેમ જણાવી કાર ઉભી રાખી હતી. ચાલુ કારમાં માર મારી એસ જી હાઇવે પર લઈ ગયા અને ત્યાં મારીને દાટી દેવાની ધમકી આપી હતી. માર મારી તેમ પણ જણાવ્યું હતું કે, છોકરીની વાત કે અન્ય વેટ કોઈ ને કરીશ તો બીજી વાર મારી જ નાખીશું. બાદમાં કારમાં અલગ અલગ જગ્યાએ ફેરવી સવારે સાત વાગે રસ્તામાં ઉતારી દીધો હતો. આ અંગે પોલીસ અને પરિવારને જાણ થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.