નલીયા સહિત સમગ્ર અબડાસામાં ભાવિકો શિવભક્તિમાં લીન

નલીયા મધ્યે સમસ્ત હિંદુ સમાજ દ્વારા ભવ્ય રવાડી યોજાઈ : પિંગલેશ્વર, ખારઈ, પિયોણી સહિતના શિવ મંદિરોમાં સવારથી જ ભાવિકો ઉમટયા

 

નલીયા : નલીયા સહિત સમગ્ર અબડાસા તાલુકામાં ભાવિકો શિવભક્તિમાં લીન બન્યા હતા. દેવાધિદેવ મહાદેવના મહાપર્વ સમાન મહાશિવરાત્રીની અબડાસા તાલુકામાં વિવિધ સ્થળોએ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.તાલુકાના મુખ્ય મથક નલીયા ખાતે નલીયા દશનામ ગોસ્વામી સમાજ પ્રેરિત સમસ્ત હિંદુ સમાજ દ્વારા શિવરાત્રી પર્વની ભવ્ય ઉઝવણી કરવામાં આવી રહી છે.સવારે કલ્યાણેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય રવાડી નિકળી હતી.જે બજારચોક પહોંચ્યા બાદ શિવતાંડવનો કાર્યક્રમ યોજાયો હતો.ભાવેશગીરી ગોસ્વામીએ શિવતાંડવ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.નલીયાના વિવિધ વિસ્તારોમાં ફરી રવાડી જંગલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા બાદ બપોરે હવન તથા રાત્રે ચાર પહોરની પુજા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
દરિયાકિનારે આવેલ પ્રસિધ્ધ શિવાલય રાપરગઢ ખાતેના પિંગલેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભાવીકોની દર્શનાર્થે લાઈનો લાગી હતી.ભગવાના શિવનું પુજન અર્ચન ભાવિકોએ આસ્થા સાથે કર્યું હતું.વાયોર નજીકના ખારઈ ખાતે આવેલ સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભાવિકોનો ધસારો રહ્યો હતો.તો પિયોણી મહાદેવ તથા તાલુકાના અન્ય શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો સાથે ભાવીકો શિવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે.અનેક જગ્યાએ રાત્રે સંતવાણી તથા ચાર પહોરની પુજાનું આયોજન કરવામાં આવેલ છે.ભાંગના પ્રસાદ સાથે ભાવિકો ભક્તિમાં લીન થઈ રહ્યા છે.