નલીયા ગ્રામ પંચાયતાના ગેરકાયદેસર ઠરાવ પર નિષેધ લગાવતા અબડાસા તાલુકા વિકાસ અધિકારી

સને ૧૯૯૩ ના પંચાયત ધારાની કલમ ર૪૯ (૧) તથા સરકારશ્રીના વખતવખતના પરિપત્ર મુજબ સૌથી નીચા ભાવ હોય તેમના ટેન્ડર મંજુર કરવાના બદલે ઉંચા ભાવના ટેન્ડર તા.૩/૧૦ ની સામાન્ય સભામાં મંજુર કરવાના ઠરાવો કરતા અબડાસા ટીડીઓનો ધાક બેસાડતો હુકમ : પંચાયતના સ્વભંડોળને સત્તાનો દુરૂપયોગ કરી ભ્રષ્ટ રીતે મંજુર કરાયેલા ઠરાવોથી વરસે રૂ.૨,૧૮,૦૦૦ ની સંભવિત નુકશાનીના પગલે લેવાયેલો નિર્ણય

નલીયા : સત્તાનો દુરૂપયોગ કરી પંચાયતના સ્વભંડોળને વરસે રૂ.ર.૧૮ લાખની સંભવિત નુકશાની હોઈ નલીયા ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાયેલ ગેરકાયદેસર ઠરાવોને અબડાસા તાલુકા વિકાસ અધિકારીએ પંચાયત ધારાની કલમ ર૪૯ (૧) મુજબ નિષેધ કરતા ભ્રષ્ટ તત્ત્વોના મનસુબાઓ પર પાણી ફરી વળ્યું છે.  આ અંગે સુત્રોમાંથી મળતી માહીતી મુજબ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતના કર્મચારીઓને એક પરિપત્ર દ્વારા છુટા કરી કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી કરવાની સુચના મળી હતી જેના અનુસંધાને નલીયા ગ્રામ પંચાયત દ્વારા કર્મચારીઓને છુટા કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ટેન્ડર આવ્યા બાદ નલીયા ગ્રામ પંચાયતની સામાન્ય સભા આ અંગે તા.૩/૧૦/૨૦૧૭ ના રોજ મળી હતી.જેમાં ઠરાવ નં.૩ થી ઓફીસ કામગીરી માટે જાડેજા સુરેશસિંહ દશુભાનુંં રૂ.૧૫૮૯૭, કનુભા જાડેજાનું રૂ.૧૮૦૦૦ ટેન્ડર ભરાયેલ હતું જેમાં પ્યુન માટેનું વિમલ જાષીનું રૂ.૬૦૦૦ નું ટેન્ડર ઉમેરી રૂ.ર૪૦૦૦ નું ઉંચા ભાવનું કનુભા જાડેજાનું ટેન્ડર મંજુર કરતો ઠરાવ કરવામાં આવેલ હતો.જ્યારે નીચા ભાવ ભરનાર સુરેશસિંહના ભાવની અગવણના કરી વોર્ડ નં.૯ માં સરપંચના પતિના ચુંટણી વખતે ઈલેક્શન એજન્ટ રહેલા તેમના મળતીયા કનુભા જાડેજાને ફાયદો કરાવવા નિયમોથી ઉપરવટ જઈ સત્તાનો દુરૂપયોગ કરી તેમનું ઉંચા ભાવનું ટેન્ડર મંજુર કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ નં.પ મુજબ પંચાયતના પાણી પુરવઠાની કામગીરી માટે સૌથી નીચા ભાવનું ટેન્ડર રૂ.૧૫૯૯૬ નું સુરેશસિંહ દશુભાનું આવેલ હતું જેની પણ અવગણના કરી પંચાયતે પાણી પુરવઠાની કામગીરી પંચાયત હસ્તક રાખવાનો ઠરાવ કર્યો હતો જ્યારે સરકારના પરિપત્ર મુજબ પંચાયતે પાણીની કામગીરી કરતા કર્મચારીઓને તા.૨૫/૯/૨૦૧૭ ના છુટા કરેલ હતા.આમ સરકારી પરિપત્રનો ઉલ્લંઘન કરેલ અને કોન્ટ્રક્ટરના બદલે પંચાયતે મનસેવી રીતે પોતા હસ્તક પાણી પુરવઠાની કામગીરી રાખી સરકારના પરિપત્રનો જ છેદ ઉડાવી દીધો હતો. ઠરાવ નં.૬ મુજબ પાણીના પરબ માટે રૂ.ર૪૯૯ નું ટેન્ડર હતું તેના બદલે ઉંચા ભાવનું લક્ષ્મીબેન રામજી સોલંકીનું રૂ.પ૦૦૦ નું ટેન્ડર મંજુર કરતો ઠરાવ કરવામાં આવ્ય હતો. એકમાત્ર ઠરાવ નં.૪ મુજબ સફાઈ માટેનો કોન્ટ્રાક્ટર નિયમ મુજબ સામાન્યસભામાં મંજુર કરવામાં આવ્યો હતો. આવા નિયમોથી ઉપરવટ ઠરાવો થતા હોઈ સામાન્યસભામાં બે સભ્યો મનજીભાઈ મહેશ્વરી અને પ્રવિણભાઈ બુધીયાભાઈ ભાનુશાલી દ્વારા તેનો વિરોધ કરી વોકઆઉટ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ તેમના દ્વારા ઠરાવોની પ્રમાણિત નકલ સાથે આ અંગે તાલુકા વિકાસ અધિકારીશ્રીને તેની માહીતી આપી હતી.તથા જાડેજા સુરેશસિંહ દશુભાએ પણ તાલુકા વિકાસ અધિકારીશ્રીને લેખીત ફરીયાદ કરી તમના ભાવ સૌથી નીચા હોવા છતા ઉંચા ભાવના ટેન્ડરો મંજુર કરતા ઠરાવને રદ્દ કરવા તાલુકા વિકાસ અધિકારીશ્રી પાસે દાદ માંગતા અબડાસા તાલુકા વિકાસ અધિકારીશ્રીએ સને ૧૯૯૩ ના પંચાયત ધારાની કલમ નં.૨૪૯ (૧) તથા રાજ્ય સરકારશ્રીના વખતોવખતના પરિપત્રોના આધારે પંચાયતે ઉંભા ભાવ મંજુર કરતા ઠરાવો પર નિષેષ લગાવતો હુકમ કર્યો હતો.આ અંગે ટીડીઓશ્રીનો સંપર્ક કરતા તેમણે તેને સમર્થન આપી પંચાયતને આ અંગે નોટીશ કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું. આમ નલીયા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ સત્તાનો દુરૂપયોગ કરી મનસ્વી રીતે ટેન્ડરને લગતા કરેલા ઠરાવો તાલુકા વિકાસ અધિકારીની કડક કામગીરીના લીધે રદ્દ થતા ભ્રષ્ટ તત્ત્વોના મનસુબાઓ પર પાણી ફરી વળ્યું હતું.  આ બાબતે નલિયા ગ્રામ પંચાયત સરપંચ રેખાબા જાડેજાનો સંપર્ક સાધતા તેમણે ટીડીઓ દ્વારા રદ્દ કરાયા હોવાનું જણાવી ઉમેર્યું હતુ કે, જૂના કર્મચારીઓને પ્રાધાન્ય આપવા માટે બહુમતિથી ટેન્ડરો મંજૂર કરાયા હતા. પરંતુ કેટલાક લોકો ગ્રામ પંચાયતનો વહીવટ ખોરવવા માંગતા હોઈ જે લોકો અનુભવ પણ નથી તેઓ દ્વારા ટેન્ડરો ભરાવાયા હતા. અને તેમા અનેક અધુરાશો પણ હતી જેથી આવા ટેન્ડરો રદ્દ કરી અન્ય ટેન્ડરો મંજૂર કરાયા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, ગામના જ કેટલા અસામાજિક તત્ત્વો ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે ચડે તેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા હોઈ. આવા તત્ત્વો સામે પણ આવનારા સમયમાં કાર્યવાહી કરાશે.