નલિયા સહિત સમગ્ર અબડાસામાં વકરી રહેલો કોરોના છતાં સરકારી ચોપડે સબ સલામત

ટેસ્ટીંગ કીટ પણ પુરતા પ્રમાણમાં છેવાડાના તાલુકાને ફાળવાતી નથી : ઓક્સિજન લાઈન અને દવાની પણ કમી : ડુમરામાં કોરોના સારવારની વ્યવસ્થા સરકારી રાહે કરવાની તૈયારી કરાઈ પણ સરપંચ દ્વારા વિરોધ કરાતા કાર્યવાહી ઠપ્પ

નલિયા : નલિયા સહિત સમગ્ર અબડાસામાં કોરોના વકરી રહ્યો છે છતા સરકારી ચોપડે સબ સલામત બતાવવાની આરોગ્ય ખાતાની નીતીના લીધે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલીયામાં કોરોના વકરી રહ્યો છે.સરકારી ચોપડે આંકડા છુપાવવાની નીતી હોઈ ઓછો સત્તાવાર આંક બતાવાય છે પણ એકલા નલીયામાં જ ૧પ૦ થી વધુ લોકો હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.કોરોના સંક્રમિત થનારાઓના ઘર અને દુકાનો બંધ હોઈ અને મફતનગર, સપના નગર તથા સોસાયટી વિસ્તાર સાથે ગામમાં પણ ઘરે-ઘર કોરોના દર્દીઓ વધી રહ્યા છે.કોણ સંક્રમિત છે તેની યાદી આપવા પર હવે પ્રતિબંધ હોઈ જાણે-અજાણે નલીયામાં સંક્રમણ વધી રહ્યું છે. નલીયા સાથે તાલુકાના વાયોર તથા અન્ય વિસ્તારોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે પણ તાલુકામાં આંકડા ઓછા બતાવવા માટે છેવાડાના આ તાલુકાને ટેસ્ટીંગની કીટ જ માંડ રોજની પ૦ કરતા ઓછી ફાળવાય છે જેથી સરકારી ચોપડે તાલુકામાં કોરોના કાબુમાં રહે તેવી સરકારી નીતી રહેલી છે.કોરોના સારવાર માટે રાતાતળાવ ખાતે ખાનગી સંસ્થામાં વ્યવસ્થા કરવામાં આવી છે અને નલીયા ખાતે કસ્તુરબા ગાંધી બાલીકા વિધાલય ખાતે કોવીડ સેન્ટર ટુંક સમયમાં શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે.સરકારી રાહે કોરોના સારવારની દવાઓ અને ઈન્જેક્શન પણ તાલુકાને પુરતા પ્રમાણમાં ફાળવાતા નહીં હોવાની ફરીયાદો ઉઠી રહી છે.આટ-આટલી જાગૃતિ છતા અબડાસાના ડુમરા ગામે જાણે ઉલટી ગંગા વહેતી હોય તેમ અહિં સરકારી રાહે કોવીડ સારવાર સેન્ટર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી પણ સરપંચે ગામમાં કોવીડ સેન્ટર સ્થાપવા સામે વાંધો ઉઠાવતા હાલ તે કામગીરી સ્થગિત થઈ ગઈ હોય જીલ્લા કલેક્ટર દ્વારા આ અંગે તપાસ કરાય તો રાજકારણની ગંદી રમતો બહાર આવે તેવું જાણકાર સુત્રોએ જણાવ્યું હતું.આમ સમગ્રપણે જોતા છેવાડાના અબડાસા તાલુકામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે પણ સરકારી ચોપડે આંકડા ઓછા બતાવી સબ સલામત બતાવવાની નીતીના લીધે અબડાસાના નાગરીકોના આરોગ્ય ઉપર ખતરો ઉભો થયો છે.