નલિયા સરકારી ઘાસ ડેપોમાં બળુકાના બે ભાગ : વિતરણમાં વ્હાલા-દવલાની નીતિથી ૧પ૦ સામાન્ય પશુપાલકો ઘાસ વિહોણા

ગઈકાલે અફડાતફડીના માહોલ વચ્ચે વગદારો ટ્રકમાં ઘાસ લઈ ગયા અને સવારે ૪ વાગ્યાથી લાઈનમાં ઉભેલાને ઠેંગો : રૂા.ર કિલો મળતું ઘાસ કાળાબજારીયાઓ ૧૩ રૂપિયે કીલો વેંચી રોકડી કરતા હોવાની ઉઠી રહેલી ફરીયાદો

 

અબડાસામાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનેલી નલિયા મામલતદાર કચેરીના દલાલો ઉપર એસીબી વોચ ગોઠવે તો અનેક ભોપાળા બહાર આવે : માત્ર કચેરીમાં લાગેલા સીસી ટીવી કેમેરાના ફુટેજ કલેક્ટર દ્વારા તપાસાય તો ચોંકાવનારી હકીકતોનો થાય પર્દાફાશ : ખોટા કામ કરાવવાના પૈસા આપવા પડે તે સમજી શકાય પણ કાયદેસરના કામ કરવા પણ રૂપિયા આપવા પડે તેે કેવો વહીવટ ?

તાલુકામાં અછત જેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે મામલતદારના સરકારી મોબાઈલની સેવા સ્થગિત
નલિયા : અબડાસા તાલુકામાં હાલ વરસાદ ખેંચાવના લીધે પશુઓ માટે ઘાસ અને માનવ વસતી માટે પાણી સહિતના અનેક પ્રશ્નો સર્જાયા છે તે વચ્ચે તાલુકાના વહીવટી વડા કહી શકાય તેવા નલીયા મામલતદારના સરકારી મોબાઈલની સેવા સ્થગિત થઈ ગઈ છે તેવી કેસેટ વાગી રહી છે તે પણ ઘણું સુચવી જાય છે.શું બીલ નહીં ભરવાના કારણે સેવા સ્થગિત થઈ ગઈ છે કે અન્ય કારણોથી તે પણ તપાસનો વિષય છે.કે પછી જવાબદારીથી ભાગવા માટે અને પ્રશ્નોથી બચવા માટે મામલતદારશ્રી દ્વારા તેમનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દેવાયો છે ? તેવી ચર્ચા પણ તાલુકામાં થઈ રહી છે.

 

 

નલિયા : નલિયામાં સરકારી ઘાસ ડેપોમાં બળુકાના બે ભાગ અને સામાન્ય પશુપાલકોને ઘાસનું તણખલું પણ ન મળતુ હોવાની ફરીયાદો વચ્ચે સંચાલન કરનાર નલીયા મામલતદાર કચેરીના ભ્રષ્ટ વહીવટ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે.
નલિયામાં સરકાર દ્વારા ચલાવાતા ર રૂપિયે કીલો રાહતદરના ઘાસ વિતરણમાં બળુકાના બે ભાગ અને સામાન્ય પશુપાલકોને ઘાસનું તણખલું પણ ન મળતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે.ગઈકાલે આ મુદ્દે નલીયાના મીઠી ગેસ્ટહાઉસના કંપાઉન્ડમાં ચાલતા ઘાસડેપોમાં આ મુદ્દે ડખ્ખો સર્જાયો હતો.સવારે ૪ વાગ્યાથી ઘાસકાર્ડ લઈ લાઈનમાં ઉભેલાઓનો વારો નહોતો આવ્યો અને એક વગદાર રાજકારણી ટ્રકમાં ઘાસની ગાંસડીઓ ભરી વટથી લઈ ગયા છતા ત્યાં હાજર નલીયા મામલતદાર કચેરીના જવાબદારો દ્વારા કોઈ પગલા લેવાયા ન હતા.ઘાસ વિતરણમાં વ્હાલા-દવલાની નીતીથી સામાન્ય પશુપાલકો પરેશાન થઈ ગયા છે અને અંદાજે ૧પ૦ જેટલા પશુપાલકોને ઘાસ વિના વીલા મોંએ ગઈકાલે પરત ફરવું પડયું હતું.નલીયા ઘાસ ડેપોના સંચાલનમાં નલીયા મામલતદાર કચેરીના અમુક ભ્રષ્ટ તત્ત્વોના ચંચુપાતથી સામાન્ય નાગરીકોને પરેશાની વેઠવી પડી રહી છે.
આમ તો અબડાસામાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનેલી નલીયા મામલતદાર કચેરીના વહીવટ સામે છેલ્લા ઘણાં સમયથી આંગળી ચીંધાઈ રહી છે.કચેરીમાં દલાલ રાજ પ્રવર્તી રહ્યું હોવાની સાથે એસીબી દ્વારા વોચ ગોઠવાય તો અનેક ભોપાળા બહાર આવે તેમ છે.કલેક્ટરશ્રી દ્વારા માત્ર કચેરીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજની પણ તપાસ કરાય તો અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ છે.નલીયાની મામલતદાર કચેરીનો વહીવટ એટલો ખાડે ગયો છે કે ખોટા કામ કરાવવા માટે પૈસા આપવા પડે તે સમજી શકાય પણ સાચા અને કાયદેસરના કામ કરાવવા માટે પણ પૈસા આપવા પડતા હોવાની પણ અનેક ફરીયાદો નાગકીરોમાંથી ઉઠી રહી છે.ખેડુત ખાતેદારનું પ્રમાણપત્ર હોય કે ર ગુંઠા જમીન, હક્કપત્રકની નોંધો, રાશનકાર્ડના કામો વગેરે રોજબરોના સામાન્ય કામોમાં પણ પુજારીને પ્રસાદી આપ્યા વગર કામો થતા નથી.
કચ્છના વહીવટી કાબેલ અને નોન કરપ્ટ અધિકારીની છાપ ધરાવતા કલેક્ટરશ્રી દ્વારા હવે ફરીયાદો ઉઠી રહી હોઈ તપાસ કરી નલીયા મામલતદાર કચેરીનો વહીવટ સુધારવા ઓચીંતી તપાસ કરાય તેવી માંગ જાગૃત નાગરીકો દ્વારા કરવામાં આવી છે.
આ અંગે નલીયા મામલતદારશ્રી પુજારાનો તેમના સરકારી મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા એ નંબરકી સુવિધાયેં કુછ સમયકે લીયે સ્થાગિત કી ગઈ હૈ તેવી કેસેટ વાગી રહી હોઈ તેમનો પ્રતિભાવ મળી શકેલ નથી.