નલિયા પીજીવીસીએલ સબ-ડિવિઝન હેઠળના ગામડાઓમાં જર્જરીત વીજ વાયરોના લીધે જાનહાનિનો ભય

કચ્છના સાંસદ સુધી રજુઆત કરવા છતા કોઈ પગલાં ન લેેવાતા હોય તો પ્રજાની ફરીયાદ કોણ સાંભળશે ?

 

નલિયા : નલિયા પીજીવીસીએલ સબ-ડીવીઝન હેઠળના ગામડાઓમાં જર્જરીત વિજ વાયરો બદલાતા ન હોઈ જાનહાનીનો ભય હોવાની કચ્છના સાંસદ સુધી રજુઆત કરવા છતા કોઈ પગલા લેવાતા ન હોઈ પ્રજાએ ફરીયાદ કોને કરવી ? તેવો સવાલ અબડાસાની ગ્રામ્ય પ્રજામાં થઈ રહ્યો છે.
જંગડીયા ગ્રામ પંચાયતના ઉપ-સરપંચ અને ભાજપ અગ્રણી નાનજી લાલજી ભાનુશાલીએ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને રજુઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે જંગડીયા છેવાડાનું ગામ છે જેને નલીયા પીજીવીસીએલ સબ-ડીવીઝન હેઠળ વિજળી મળે છે.આ વિસ્તારના હરીપર, બુટ્ટા, ઐડા, ગોયલા, મોખરા, જંગડીયા વિસ્તારોમાં ૩૪ વરસ જુના વિજ તારો છે.જે બદલવાનું ચાલુ થયું તે ફક્ત નલીયાથી બુટ્ટા સુધી માત્ર મેઈન થાંભલા અને વિજ તાર બદલાયા, બુટ્ટાથી જંગડીયા સુધી જૈસે થેની સ્થિતિ છે.ગામડામાં રોજ એકાો વાયર તુટવાની ઘટના બને છે.થાંભલા ઉપર લગાવવા માટે એંગલ તુટી ગયા છે.નાયબ ઈજનેરને ફરીયાદ કરતા અમારા સ્ટોરમાં બદલી કરવા કોઈ સાધન નથી તમે અમારી હેડ ઓફીસે અરજી કરો રાજકોટ તેવા જવાબો મળે છે.સ્થાનિક અધીકારીના જણાવ્યા મુજબ તેમની પાસે સ્ટાફ જ નથી, માત્ર ચારથી પાંચ હેલ્પરો છે જે આખા અબડાસા મો અપુરતા છે.જ્યારથી અબડાસામાં વિજળીકરણ થયું ત્યારબાદ ક્યારેય પણ લાઈનો બદલવામાં આવી નથી.ચોમાસાની સિઝન આવી રહી હોઈ ક્યારે વિજ વાયર પડે અને મોટું નુકશાન પહોંચાડે તેવી ભીતી છે.વિજ તારો એટલા જર્જરીત થઈ ગયા છે કે હેલ્પરો તેને રીપેરીંગ માટે ખેંચી શકતા નથી.હાથ ઉંચો કરીએ તો વિજતાર હાથમાં આવી જાય તવી પરિસ્થિતિ છે.સ્થાનિક અધિકારી કહે છે કે કોન્ટ્રક્ટરોને બીલ મળતા ન હોઈ તેઅ ોકામ છોડી ભાગી જાય છે તેવું સાંસદને કરેલી રજુઆતમાં નાનજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.રજુઆતની નકલ ઉર્જા મંત્રી, પીજીવીસીએલ ઝોનલ કચેરી – રાજકોટ, ભુજના અધિક્ષક ઈજનેર અને નખત્રાણાના કાર્યપાલક ઈજનેર અને નલીયાના ઈજનેરને શ્રી ભાનુશાલીએ મોકલી તાત્કાલિક પગલા લેવા રજુઆત કરી છે.
આજ મતલબની ફરીયાદ સુજાપર ગ્રામ પંચાયત વતી સરપંચ દક્ષાબા તખુભા જાડેજાએ નલીયાના નાયબ ઈજનેરને કરી છે જેમાં જર્જરીત વિજ વાયરો પશુઓ ઉપર પડતા પશુઓના મરણના બનાવો બનતા હોવાની રજુઆત કરાઈ છે.ઉપરાંત વિજ લાઈનો અને વાયરો આસપાસ જંગલી બાવળ ઉગી નીકળ્યા છે તેના લીધે ચોમાસામાં શોર્ટ સર્કિટના લીધે નુકશાન થવાની ભીતી પણ સરપંચ દ્વારા વ્યક્ત કરાઈ છે.જો સમારકામ કરી વિજ વાયરો નહીં બદલાય તો સુજાપર – પિથોરાનગરના રહેવાસીઓ નલીયાની પીજીવીસીએલ કચેરીને મીટરો પરત જમા કરાવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
આ અંગે નલીયા સબ-ડિવિઝનના નાયબ કાર્યપાલન ઈજનેરશ્રી સાધુને પુછતા તેમણે જણાવ્યું હતું કે ફરીયાદો સાચી છે.વરસો જુના તાર બદલવા માટેની વહીવટી મંજુરી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મંજુરી મળ્યેથી કામ શરૂ કરાશે.ઉડાઉ જવાબો નાયબ ઈજનેર દ્વારા આપવામાં આવતા હોવા અંગે તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે નહીં પરંતુ જંગડીયાના નાનજીભાઈ દ્વારા જુનીયર ઈજનેર સમક્ષ રજુઆત કરાઈ હતી.કોન્ટ્રાક્ટરોના અટકેલા બીલો અંગે તેમણે જણાવ્યું હતું કે યોગ્ય એકાઉન્ટીંગ પ્રોસીજર ન થઈ હોઈ ચાલતી તપાસના લીધે તેમના બીલો અટકેલા છે.