નલિયા ગ્રામ પંચાયત બની ભ્રષ્ટાચારનું એપી સેન્ટર વિવેકાધિન ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા  સરશબંધીના કામમાં આચરાઈ ગેરરીતિ

માત્ર ચોપડા પર કામ બતાવી ખોટા બિલો દ્વારા સરપંચે કરી ઉચાપત : હોદ્દાના દુરૂપયોગ બદલ હોદ્દા પરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ રજૂઆત

 

ભુજ : અબડાસા તાલુકાની નલિયા ગ્રામ પંચાયતના સરપંચે સત્તા સંભાળી ત્યારથી જ સતત વિવાદોથી ઘેરાયેલા રહેતા આવ્યા છે, સત્તાથી ઉપરવટ જઈ ગ્રામ પંચાયત તેમજ સરકારને નુકસાનકર્તા નિર્ણયો લઈ આર્થિક ગોટાળાઓ આચરાઈ રહ્યા છે. વિવેકાધિન ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ ફરશબંધીના કામમાં પણ ખોટા બિલો બનાવી આર્થિક ગેરરીતિ આચરાઈ હોઈ સરપંચને હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
નીલાબેન નીતિનભાઈ ખત્રીએ કરેલ રજૂઆતમાં જણાવેલ કે, નલિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિવેકાધિન ગ્રાન્ટ ર૦૧૬- ૧૭ યોજનાથી જાડેજા દિપસિંહના ઘરથી રમેશ દામાના ઘર સુધી ફરશબંધીનું કામ મંજૂર કરાયું હતુ પરંતુ તાલુકા પંચાયતના કર્મચારીઓની મિલિ ભગતથી કામ કર્યા વગર જ માત્ર ચોપડા પર બતાવી ખોટા બિલો દ્વારા ઉચાપત કરાયેલ છે. મીઠુભાઈ જુસબભાઈ ભુકેરાની આરટીઆઈના પ્રત્યુતરમાં આપવામાં આવેલી માહિતીમાં તા. ૧ર-૧ર-ર૦૧૭ના રોજ એબસ્ટ્રીકટ પર મીટર લંબાઈ અને ૪.૭ મીટર પહોળાઈ તેમજ ૦.૧ મીટર ખોદાણ કામ બતાવેલ છે તેમજ પર મીટર લંબાઈ અને ૪.૭ મીટર પહોંળાઈમાં બ્લોક ફીટ કરેલ છે તે કામ બતાવેલ છે. કામ પૂર્ણ થયેલ હોઈ ૧,૪ર,૬૦૦નું બિલ બનાવેલ છે પરંતુ હક્કિતમાં માત્ર કાગળ પર જ મેપ મેઝરમેન્ટ બતાવી એજન્સીઓ અને પદાધિકારીઓ સાથે મળી નાણાકીય ઉચાપત કરેલ છે. વધુમાં તેમણે જણાવેલ કે, ભ્રષ્ટાચાર અટકવાનું નામ લઈ રહ્યો ન હોય તેમ ૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી વર્ષ ર૦૧૬- ૧૭ દ્વારા સિદ્ધેશ્વરનગરમાં સંગ્રામસિંહના ઘર પાસેથી દિપકસિંહના ઘર તરફ સીસી રોડનું કામ નલિયા જૂથ ગ્રા.પં. દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. એસ્ટીમેટ પ્રમાણે આ રોડની લંબાઈ ૭૧.૪૦ મીટર છે અને દીપકસિંહના ઘરથી રમેશ દામાના ઘર સુધીના સીસી રોડની લંબાઈ પર મીટર દર્શાવેલ છે એટલે કે, આ બંને રોડની લંબાઈ કુલ ૧ર૩.૪૦ મીટર થાય છે પરંતુ હક્કિતમાં સંગ્રામસિંહના ઘરથી રમેશ દામાના ઘર સુધીની કુલ લંબાઈ અંદાજે ૮૦ મીટર છે તો પછી ૧ર૩.૪૦ મીટરનો રોડ કેવી રીતે બની શકે ? અંતમાં તેમણે ઉમેરેલ કે હાલે સરપંચ દ્વારા અધિકારીઓ સાથે મળી આ ભ્રષ્ટાચારને છૂપાવવા રોડનું કામ બતાવેલ સ્થળની બાજુમાં કરવાની તજવીજ છે તેમજ આ કામ જૂની તારીખમાં કર્યું હોવાનું બતાવી ભ્રષ્ટાચાર છૂપાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે, જેથી પંચાયત ધારાની કલમ પ૭ મુજબ સરપંચને હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરવા રજૂઆત કરાઈ છે. આ બાબતે નલિયા સરપંચ પતિ રવુભા જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, નીતિ- નિયમ મુજબ જ કામ થઈ રહ્યા છે. ગ્રામ પંચાયતની કામગીરીમાં વિઘ્નો નાખવા માટે કેટલાક તત્ત્વો દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે, જેને લઈને આવા પાયા વિહોણા આક્ષેપો કરાઈ રહ્યા છે.