નલિયા ગામતળના દબાણો હટાવવા કાયદાકીય પ્રોસેસ માટે ગ્રામ પંચાયતે ૩ દિવસનો સમય માંગ્યો

પંચાયત દ્વારા ૩ દિવસમાં કાર્યવાહી કરવાનો સમય મંગાયો હોઈ આજથી શરૂ થનાર કાર્યાવાહીને વિરામ અપાયો છે : મામલતદાર પુજારા

 

નલિયા : રાજ્યવ્યાપી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત ગઈકાલે નલિયામાં વિકાસપથ ઉપરના દબાણો દુર કર્યા બાદ ગામતળના દબાણો દુર કરવા માટે નલીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કાયદાકીય પ્રોસેસ માટે ૩ દિવસનો સમય મંગાતા કાર્યવાહીને હંગામી ૩ દિવસ માટે વિરામ અપાયો હોવાનું નલિયા મામલતદારે જણાવ્યું હતું.
રાજ્યવ્યાપી દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે નલિયામાં દબાણ હટાવની છેલ્લા ત્રણ દિવસથી કાર્યાવાહી નલીયા મામલતદારશ્રી પુજારાના માર્ગદર્શન હેઠળ અવિરત ચાલી રહી છે.ગઈકાલે ર૪ કલાકની મહેતલ નલિયામાં તળાવની પાળ ઉપર આવેલા દબાણો અને ગામતળના દબાણો હટાવવા માટે નલીયા મામલતદારશ્રી પુજારા દ્વારા આપવામાં આવી હતી જેના અનુસંધાને દબાણકારોને જાણ કરવા અને કાયદાકીય પ્રોસેસ માટે નલિયા ગ્રામ પંચાયતના સરપંચ રેખાબા રવુભા જાડેજા દ્વારા ૩ દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. દબાણકારોને સ્વેચ્છાએ હટી જવા અને નોટીશ કરી હટે નહીં તેના પર કાર્યવાહી માટે સમયની માંગણીને તંત્ર દ્વારા બહાલ કરવામાં આવી હતી.
આ અંગે નલિયા મામલતદાર વી.ડી.પુજારાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આજે સવારે ૧૦ વાગ્યાથી દબાણ હટાવ ઓપરેશન ચાલુ કરવામાં આવનાર હતું તે દરમ્યાન નલિયા સરપંચ દ્વારા પ્રોસેસ માટે અને દબાણકારોને જાણ કરી દબાણો દુર કરવાની કામગીરી કરવા અને તાલુકા વિકાસ અધિકારીની મંજુરી સહિતની કાર્યાવાહી માટે ૩ દિવસનો સમય માંગવામાં આવેલ હોઈ હાલ હંગામી ૩ દિવસ માટે મહેતલ આપવામાં આવી છે.ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી નહીં કરાય તો ૩ દિવસ બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાશે તેવો નિર્દેશ મામલતદારશ્રી પુજારાએ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દર વખતે નલીયામાં દાણ હટાવ ઝુંબેશ થયા ત્યારે માત્ર નલિયાના અબડા દાદા સર્કલથી બસ સ્ટેશન પાસેના ભારતમાતા પ્રવેશદ્વારા સુધી દબાણો હટાવાતા હતા અને ગરીબ રેકડી ધારકો અને કેબીનોના દબાણો હટતા હતા.આ વખતે રાજ્યવ્યાપી ઝુંબેશ હોઈ પ્રથમવાર ગામતળના દબાણો અને તળાવની પાળ ઉપર આવેલા દબાણો દુર કરવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા અને પ્રથમ વખત અમીરો ઉપર અને દબાણો કરી ચર્ચાતી વિગતો મુજબ ર૦ હજાર સુધીના ભાડે આપનાર મોટામાથાઓ ઉપર રેલો આવતા તેમના પગ તળેની જમીન ખસકી ગઈ છે.હવે ૩ દિવસ દરમ્યાન ગ્રામ પંચાયત શું કાર્યવાહી કરે છે તેના પર નલીયાના ગ્રામજનોની મીટી મંડાઈ છે.