નલિયા ગામતળના દબાણકારોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્વેચ્છાએ દબાણ હટાવવાની કરી શરૂઆત

ગ્રામ પંચાયત દ્વારા ગઈકાલે બે નોટીસ અપાયા બાદ આજે સવારે ૧૦ વાગ્યા સુધીની અપાઈ હતી અંતિમ મહેતલ

 

નલિયા : નલિયા ગ્રામ પંચાયતના ગામતળ હેઠળના દબાણકારોએ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સ્વેચ્છાએ દબાણ હટાવવાની શરૂઆત કરી હતી.
છેલ્લા ઘણાં સમયથી નલીયાના ગામતળના દબાણોનો મુદ્દો ચર્ચામાં હતો જેનો આજે નિકાલ આવવાની શરૂઆત થઈ હોય તેમ આજે સવારથી ગામતળાના દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો હટાવવાની શરૂઆત કરી હતી.ગામતળના દબાણકારોને નલીયા ગ્રામ પંચાયત દ્વારા ર નોટીશ આપવામાં આવી હતી.પ્રથમ નોટીશમાં ૮ દિવસનો અને ત્યારબાદ વધુ ૩ દિવસનો સમય અપાયા બાદ ગઈકાલે રીક્ષા દ્વારા લાઉડ સ્પીકર દ્વારા આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં દબાણ હટાવી લેવાની અને જો તેમ નહીં કરાય તો થનાર નુકશાનની જવાબદારી સબંધિત દબાણકારોની રહેશે તેવી ચમકી અપાયા બાદ અમુક દબાણકારોએ આજે સ્વેચ્છાએ દબાણો હટાવવાની શરૂઆત કરી હતી.નલીયાના તળાવની પાળ, બસ સ્ટેશન બાજુમાં તથા બસ સ્ટેશન પાછળના વિસ્તારના દબાણો આજે હટયા હતા.કુલ્લ ૮૪ જેટલા દબાણકારોને નોટીશો આપવામાં આવી હતી.નલીયા સીપીઆઈશ્રી ગામેતી, નલીયા પી.એસ.આઈ. સાથે હથિયારબંધ પોલીસ અને મહિલા પોલીસનો કાફલો ખડકી દેવાયો હોઈ શાંતીપુર્ણ રીત કામગીરી ચાલી રહી છે.પંચાયતના કોઈ જવાબદાર કે મામલતદાર હજુ સુધી સ્થળની મુલાકાતે આવેલ ન હતા પરંતુ દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો હટાવવાની શરૂઆત કરી હોઈ શાંતીપુર્ણ કામગીરીના એંધાણ મળી રહ્યા છે.