નલિયામાં ૧.ર૦ લાખની છેતરપીંડીમાં પકડાયેલ આરોપી રિમાન્ડ ઉપર

નલિયા : પોતાની ઓળખ કેનેડા બેંકના કર્મચારી તરીકેની આપી નલિયાના યુવકને લોન આપવાનું જણાવી ૧.ર૦ લાખની ઠગાઈ કિસ્સામાં ત્રણ વર્ષ બાદ આરોપીને પકડી પડાયો હતો. પોલીસે રોકડ રકમ રિકવર કરવા આરોપીના ૧ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ નલિયામાં રહેતા નીતિનભાઈ સામજીભાઈ ખત્રીને કેનેડા બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી વિશ્વાસમાં લઈ હોમલોન આપવાનું જણાવી કોરા ચેક મંગાવી નીતિનભાઈના દેના બેંક એકાઉન્ટમાંથી ૧.ર૦ લાખ ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત કરતા શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી. આરોપીએ આવા રર જેટલા ગુન્હાઓને અંજામ આપેલ હોઈ અને વડોદરા સબ જેલમાં હોઈ નલિયા પીએસઆઈ એ.એન. પ્રજાપતિએ પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ ટ્રાન્સફર વોરંટ મેળવી સહાયક ફોજદાર ગોપાલભાઈ ગઢવી તથા પોલીસ કોન્સટેબલ રમેશ પટેલ, શૈલેષ ટાંકને વડોદરા મોકલ્યા હતા અને વડોદરા જેલમાંથી આરોપી શાંતનુ પ્રદીપ શર્મા (રહે. દિલ્હી)નો કબ્જો લઈ નલિયા લવાયો હતો. આરોપીને કોર્ટમાં રજુ કરતા આવતીકાલ સુધીના એક દિવસના રિમાન્ડ કોર્ટ મંજુર કર્યો હતો.