નલિયામાં વ્યાજબી ભાવની દુકાનમાં ઘંઉની ૧૭૭ બોરી સીઝ કરાઈ

ભુજ : અબડાસા તાલુકાના નલિયા ગામે વ્યાજબી ભાવની દુકાનમાં મામલતદારે તપાસ કરતા આધાર-પુરાવા વગરના ઘંઉ મળી આવતા ૧૭૭ બોરી સિઝ કરવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ અબડાસા મામલતદાર એન.એલ.ડામોરને નલિયા ગામમાં વ્યાજબી ભાવની દુકાન ધરાવતા વિનોદચંદ્ર જે.ઠાકરે રામદેવપીર મંદિરની બાજુમાં આધાર-પુરાવા વિના ઘંઉની બોરીઓ ઉતાર્યાની માહિતી મળી હતી. જેથી મંગળવારે મામલતદારે આકસ્મિક ચકાસણી કરતા ગોડાઉનમાં પ૦ કિલો વજનના ઘંઉના ૧૭૭ બોરી અનઅધિકૃત રીતે મળી આવતા આ જથ્થો સિઝ કરાયો છે. સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ધરાવતા વિનોદચંદ્ર જયંતીલાલ ઠાકરે બાબા રામદેવપીર મંદિરની બાજુમાં દુકાન તથા ગોડાઉનમાં જાહેર વિતરણનો જથ્થો રાખ્યો છે. ગોડાઉનમાં તેમજ અન્ય દુકાનના ઘંઉના પ૧ બાચકા તેમજ જીજે૧રવી-૧૯૯૦ ટેમ્પોમાં ઘંઉના ૧ર૬ બાચકા મળી આવ્યા હતા. જેની કિંમત ૧,૪૧,૬૦૦ આંકવામાં આવી છે. ઘંઉના આ જથ્થા બાબતે દુકાનદાર પાસે કોઈ આધાર-પુરાવા ન હતા. પરવાનામાં ફકત હાથના લખાણથી જથ્થાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ સક્ષમ અધિકારીની પરવાનગી ન હોવાથી આ ઘંઉનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીને આ અંગે રિપોર્ટ મોકલી દેવાયો છે.