નલિયામાં વૃદ્ધની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી પોલીસ

ખેતર વાવતા ભાગીયાએ પૈસા મુદ્દે કરી હતી હત્યા : આરોપીને પકડી પાડવા ગંધ પારખુ શ્વાનને મળી સફળતા : પોલીસે શરૂ કરી છાનભીન

 

નલિયા : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા દરબાર ગઢમાં રહેતા વયોવૃદ્ધ કનુભાની કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી નાખતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. તો પોલીસે પગેરૂ દબાવતા ગણતરીના કલાકોમાં હત્યારાને ધરબોચી લીધાના અહેવાલો સાંપડી રહ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યાનો બનાવ ગતરાત્રીના સાડા નવ વાગ્યે દરબાર ગઢ નલિયા ખાતે બનવા પામ્યો હતો. દરબાર ગઢમાં રહેતા કનુભા રતનસંગ જાડેજા (ઉ.વ.૯૦)ને કોઈ અજાણ્યા શખ્સે છરી જેવા તિક્ષણ ઘા મારી ગળુ કાપી નાખી મોતને ઘાટ ઉતારી હત્યારો પલાયન થઈ ગયો હતો. મોડી રાત્રે હત્યાના બનાવથી કાયદાના રક્ષકોમાં  દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા નખત્રાણા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક રવિ તેજા નલિયા સર્કલ પોલીસ ઈન્સપેકટર આર.જે. શુકલ તથા નલિયા પીએસઆઈ કે.એમ. અગ્રાવત સ્ટાફ સાથે બનાવ સ્થળે દોડી ગયા હતા જ્યાં મૃતક કનુભાની લાશનું પંચનામુ કરી પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યારે સહદેવસિંહ હરીસંગજી જાડેજા (ઉ.વ.૪૦) (રહે. નલિયા)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુન્હો નોંધી પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી હતી. અનડિટેઈકટ હત્યાનો ભેદ ઉકેલવા માટે આજે ગંધ પારખુ શ્વાનને બોલાવવામાં આવ્યો હતો. શ્વાનને ઘટના સ્થળેથી સેમ્પલ આપી તપાસનું પગેરૂ દબાવતા નલિયામાં રહેતા અભા બુઢા સાટીના ઘર પાસેના વાડામાં શ્વાન પહોંચ્યો હતો જ્યાં શ્વાનને જાઈ અભા સાટી વાડામાં બાવળોનો ઝાડીમાં છુપાઈ ગયો હતો અને પોલીસ તથા શ્વાનને જાઈ ભાગવા જતા પોલીસે તેને ધરબોચી લીધો હતો. અભા બુઢા સાટી (ઉ.વ.ર૯) (રહે. નલિયા)ની પૂછતાછ કરતા હત્યાના બનાવને પોતે અંજામ આપેલાની કેફીયત આપી હતી. આરોપી તથા તેનો પરિવાર પેઢી દર પેઢીથી કનુભાનું ખેતર ભાગીયા તરીકે વાવતા હતા આ વર્ષે ખેતરમાંથી પાક વાઢવા માટે દસ હજાર રૂપિયાની જરૂરત હોતા આરોપી કનુભા પાસે પૈસા લેવા માટે ગયો હતો અને પૈસા આપવાનો કનુભાએ ઈન્કાર કરતા બન્ને વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાઈ જઈ છરી વડે ઉપરા ઉપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી ભાગી છુટેલાની કેફીયત આપતા આરોપીની વિધિવત ધરપકડ કરી લેવામાં આવેલ છે. આરોપી પાસેથી છરી તથા લોહીવાળા કપડા સહિતનો મુદ્દામાલ કબજે કરવા માટે તપાસ હાથ ધરેલાનું પીએસઆઈ શ્રી અગ્રાવતે જણાવ્યું હતું.